સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા કંગનાએ
સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા કંગનાએ
કંગના રનોટ અને તેની બહેને રંગોલી ચંદેલે સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ મુંબઈ કોર્ટમાં ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસને શિમલામાં ટ્રાન્સફર કરવા માટે વિનંતી કરી છે. કંગના અને રંગોલીએ તેમની અરજીમાં કહ્યું હતું કે શિવસેનાના લીડર્સ તેની વિરુદ્ધ હોવાથી મુંબઈમાં ચાલી રહેલા કેસમાં તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
કંગનાએ તેની અરજીમાં કહ્યું હતું કે આવી ધમકીઓને કારણે તેને હોમ મિનિસ્ટ્રી દ્વારા વાય પ્લસ કૅટેગરીની સિક્યૉરિટી પણ આપવામાં આવી હતી. આથી તેની લાઇફ અને પ્રૉપર્ટી પર ખતરો હોવાથી તેણે કેસને મુંબઈથી શિમલા કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરી છે. તેની વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે જેમાં જાવેદ અખ્તર દ્વારા કરવામાં આવેલા બદનક્ષીના દાવાનો પણ કેસ છે. વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા પણ કંગના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેના પર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઉશ્કેરણી વધારતાં ટ્વીટ કરતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કંગનાએ મુંબઈ ‘પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર’ જેવું બની રહ્યું હોવાનું કહ્યું હોવાનું ઉદાહરણ પણ એ વકીલે કેસમાં આપ્યું હતું.
ડિરેક્ટર મુનાવ્વર અલી સૈયદ દ્વારા પણ કંગના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર લોકોને બે જાતિઓને ભડકાવવા માટે અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ પણ લોકોને ભડકાવવા વિશેનો કેસ કરવામાં આવ્યો હતો.
આ તમામ કેસને કંગના અને રંગોલીએ શિમલા કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી કરતાં એમ પણ કહ્યું હતું કે શિવસેના જે પણ ખોટું કામ કરે છે એની વિરુદ્ધ કંગના અવાજ ઉઠાવે છે. તેમ જ બૉલીવુડના મોટા-મોટા સ્ટાર્સ વિરુદ્ધ પણ તે અવાજ ઉઠાવતી હોવાથી શિવસેના તેને હટાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમ જ સંજય રાઉત દ્વારા ઉપયોગ કરવામાં આવેલા અપશબ્દો અને બીએમસી દ્વારા તેના ઘરને ખોટી રીતે તોડી પાડવા માટેનું પણ ઉદાહરણ તેણે આપ્યું હતું. તેની અરજી સાથે તેણે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા ઘર તોડી પાડવાની વાતને બેજવાદરીભર્યું વર્તન કહ્યું હતું. આથી ઇન્ડિયાની કોર્ટમાં ભરોસો રાખી તેણે મુંબઈના તમામ કોર્ટ કેસને શિમલામાં ટ્રાન્સફર કરવા અરજી કરી છે.
મહારાષ્ટ્ર સરકારની મદદથી જાવેદ ચાચાને મારી વિરુદ્ધ વૉરન્ટ મળી ગયું છે : કંગના
ADVERTISEMENT
કંગના રનોટનું કહેવું છે કે જાવેદ અખ્તરને મહારાષ્ટ્ર સરકારની મદદથી તેની સામેનું વૉરન્ટ મળ્યું છે. જાવેદ અખ્તરે કંગના સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસમાં કંગનાને હાજર થવા કહેવામાં આવ્યું હતું પરંતુ તે હાજર ન થતાં તેની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વિશે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘નવો દિવસ નવો એફઆઇઆર. જાવેદ ચાચાને મહારાષ્ટ્ર સરકારની મદદથી મારા માટે વૉરન્ટ મળી ગયું હતું. એથી ખેડૂતોના બિલને સપોર્ટ કરનારની સામે વધુ એક એફઆઇઆર આવી ગયો છે. આ દરમ્યાન બિલ વિશે ખોટી માહિતી ફેલાવનાર અને હિંસા કરનાર વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.’ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘કિતને ભી ઝુર્મ કર લો, મેરા ઘર તોડ દો યા મુઝે જેલ ભેજ દો યા જૂઠ ફૈલાકર મુઝે બદનામ કર દો; મૈં નહીં ડરનેવાલી. મુઝે સુધારને કી કોશિશ કરનેવાલોં, મૈં તુમ્હે સુધારકર દમ લૂંગી. કર લો જિતની કોશિશ કરની હૈ મુઝે અબલા બિચારી બનાને કી; મૈં બાગી પૈદા હુઈ થી, બાગી હી રહૂંગી.’

