ડિરેક્ટર કહે છે કે ઘણું પ્લાનિંગ બાકી છે, પણ કામ શરૂ થઈ ગયું છે
ફિલ્મનું પોસ્ટર
પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ૨૭ જૂને રિલીઝ થયેલી ‘કલ્કિ 2898 AD’નો જાદુ હજી પણ દેશ-વિદેશમાં છવાયેલો છે. ફિલ્મ હજી પણ નોંધપાત્ર બિઝનેસ કરી રહી છે. એ દરમ્યાન આ ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિને એની સીક્વલની માહિતી આપી છે. તેનું કહેવું છે કે ફિલ્મની સીક્વલનું કામ પૂરું થવામાં અને એની રિલીઝમાં મોડું નહીં થાય. એ વિશે નાગ અશ્વિન કહે છે, ‘હા, સીક્વલનું કામ ચાલી રહ્યું છે. અમે જ્યારે પહેલા પાર્ટનું શૂટ કરી રહ્યા હતા ત્યારે જ બીજા ભાગનું પણ અમે સાથે શૂટિંગ કરી રહ્યા હતા. અમે ૨૦ દિવસનું શૂટિંગ કર્યું છે, પરંતુ હજી એનું પ્લાનિંગ અને એના પર ઘણુંબધું વિચારવાનું બાકી છે. જોકે આમ છતાં આશા છે કે પહેલા પાર્ટની સરખામણીએ બીજો પાર્ટ પૂરો કરવામાં અને એને રિલીઝ કરવામાં વધારે સમય નહીં લાગે.’
‘કલ્કિ 2898 AD’ને મહાભારત પરથી પ્રેરિત કરવામાં આવી હતી. બીજા પાર્ટમાં પણ એની સ્ટોરી આગળ વધારવામાં આવશે. એ ફિલ્મ વિશે નાગ અશ્વિન કહે છે, ‘અમને ફિલ્મના શૂટિંગ વખતે કદી એવું નહોતું લાગ્યું કે અમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. મહાભારતમાં જે પણ લખાયેલું છે અમે એનું જ અનુકરણ કર્યું છે. મને લાગે છે કે આ સ્ટોરી કહેવાનો આ યોગ્ય સમય છે. આપણા દેશમાં શહેરો અને નાનાં શહેરોના લોકો પણ ‘માર્વલ’ અને ‘સ્ટાર વૉર્સ’ના પ્રશંસકો છે. આપણા દેશના સુપરહીરોઝને જ એક્સ્પ્લોર કરવા જોઈએ.’

