આ અગાઉ તેણે ‘બજરંગી ભાઈજાન’ અને ‘એક થા ટાઇગર’ ડિરેક્ટ કરી હતી. હાલમાં કાર્તિક કાશ્મીરમાં તેની ‘સત્યપ્રેમ કી કથા’ના રોમૅન્ટિક ટ્રૅકનું શૂટિંગ કરી રહ્યો છે
કબીર ખાન
કબીર ખાનની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળવાનો છે અને તેઓ આ ફિલ્મનું શૂટિંગ મેમાં શરૂ કરવાના છે. કબીરે છેલ્લે ‘83’ ડિરેક્ટ કરી હતી. આ અગાઉ તેણે ‘બજરંગી ભાઈજાન’ અને ‘એક થા ટાઇગર’ ડિરેક્ટ કરી હતી. હાલમાં કાર્તિક કાશ્મીરમાં તેની ‘સત્યપ્રેમ કી કથા’ના રોમૅન્ટિક ટ્રૅકનું શૂટિંગ કરી રહ્યો છે. જોકે તેણે કબીરની ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. કાશ્મીરથી આવ્યા બાદ તે પૂરી રીતે આ ફિલ્મની તૈયારીમાં લાગી જવાનો છે. આ અનટાઇટલ્ડ ફિલ્મ પણ રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત રહેશે. એ વિશે કબીર ખાને કહ્યું કે ‘આ એક વાસ્તવિક સ્ટોરી છે જે મારા ધ્યાનમાં આવી છે. આ વખતે આ એક અજ્ઞાત હીરો વિશે છે. ‘83’ની જેમ આ કોઈ જાણીતા લિવિંગ લેજન્ડ પર આધારિત નથી. આ સ્ટોરી જોઈને એક ભારતીય તરીકે લોકો પણ ચોંકી જશે કે કેમ આપણે તેમના વિશે નથી જાણતા. આટલું બધું કામ કરનારની તરફ કેમ આપણું ધ્યાન ન ગયું. એ જ ઉત્સાહની વાત છે. હું કદાચ મેમાં એનું શૂટિંગ શરૂ કરવાનો છું અને કાર્તિક એમાં લીડ રોલમાં દેખાશે. અન્ય કલાકારોની શોધ ચાલી રહી છે.’