શાહરુખ જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેણે ખૂબ સ્ટ્રગલ કરી હતી
શાહરુખ ખાન
જુહી ચાવલા અને શાહરુખ ખાન બેસ્ટ ફ્રેન્ડ્સ હોવાની સાથે તેમણે અનેક ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. સાથે જ તેઓ IPLની ટીમનાં કો-ઓનર પણ છે. શાહરુખ જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેણે ખૂબ સ્ટ્રગલ કરી હતી અને એ વખતે તેણે એક કાર ખરીદી હતી, પરંતુ એનો EMI ન ભરી શકતાં બૅન્કે એ કાર તેની પાસેથી પાછી લઈ લીધી હતી. આજે શાહરુખ પાસે આલિશાન કારનો કાફલો છે. શાહરુખના સંઘર્ષના દિવસોનો આ એક કિસ્સો સંભળાવતાં જુહી ચાવલા કહે છે, ‘મને શાહરુખના એ દિવસો આજે પણ યાદ છે. તેની પાસે મુંબઈમાં ઘર નહોતું એથી તે દિલ્હીથી આવતો હતો. તે ક્યાં રહેતો હતો એની તો જાણ નથી. તે યુનિટનું જમવાનું ખાતો હતો, યુનિટની ચા પીતો હતો અને તેમની સાથે ખૂબ હળીમળી ગયો હતો. તેમની સાથે હસી-મજાક કરતો હતો. એ વખતે તેની પાસે એક કાર હતી. એ એક બ્લૅક જિપ્સી હતી. તે બે-ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો. અમારી સાથે ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’માં કામ કરતો હતો. સાથે જ દિવ્યા ભારતી સાથે ‘દિલ આશના હૈ’નું શૂટિંગ પણ કરતો હતો. તે ખૂબ મહેનત કરતો હતો. કોઈ કારણસર તે કારનો EMI નહોતો ભરી શક્યો એથી બૅન્કે તેની કાર જપ્ત કરી લીધી હતી. એ દિવસે તે સેટ પર ખૂબ નિરાશ થઈને આવ્યો હતો. મેં તેને કહ્યું કે અરે કોઈ બાત નહીં, તારી પાસે ભવિષ્યમાં ઘણીબધી કાર હશે. ચિંતા ન કર. આ વાત તેને આજે પણ યાદ છે.’