ડાન્સના મામલે સ્કૂલમાં પણ હૃતિક હતો સુપરસ્ટાર, જ્યારે જૉન ફુટબૉલના મેદાન પર કાળો થવામાં સમય પસાર કરતો હતો
જૉન એબ્રાહમે અને હૃતિક રોશન ની સ્કૂલની તસવીર
જૉન એબ્રાહમ હાલમાં પોતાની નવી ફિલ્મ ‘ધ ડિપ્લોમૅટ’ની રિલીઝ બાદ ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જૉને પોતાની ફિલ્મી જર્ની અને ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ વિશે વાત કરી હતી. એ ઇન્ટરવ્યુમાં જૉને પોતાના સ્કૂલના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે હું અને હૃતિક રોશન બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા અને એ સમયે પણ હૃતિકનો ડાન્સ જોવા સ્કૂલમાં ખાસ્સી ભીડ ભેગી થતી હતી.
ઇન્ટરવ્યુ દરમ્યાન જ્યારે જૉનને પોતાનો સ્કૂલનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે જૉને તેના સહપાઠી હૃતિકની ડાન્સિંગ સ્કિલ્સની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘હૃતિક કદાચ સૌથી શ્રેષ્ઠ ડાન્સર છે. સ્કૂલમાં પણ તે બ્રૅક-ડાન્સિંગમાં ખૂબ સારો હતો. અમારી સ્કૂલમાં એક સાંસ્કૃતિક પ્રવૃત્તિનો પિરિયડ હતો અને અમે બધા માત્ર હૃતિકનો ડાન્સ જોવા જતા. તે ખરેખર કમાલનો ડાન્સર છે.’
ADVERTISEMENT
જોકે એ પછી જૉને મજાકમાં કહ્યું કે હું ફુટબૉલના મેદાન પર કાળો થવામાં સમય ગાળતો હતો અને હૃતિક સુંદર ડાન્સ કરતો હતો.
જૉન અને હૃતિક બન્ને ‘ધૂમ’ ફ્રૅન્ચાઇઝીમાં અલગ-અલગ નેગેટિવ પાત્રો ભજવી ચૂક્યા છે, પરંતુ બન્નેએ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું.

