Jawan: એક 85 વર્ષના દાદી પણ શાહરૂખ ખાનની ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચી ગયા હતા અને તેઓએ ફિલ્મ જોયા બાદ ફિલ્મો રિવ્યુ પણ આપ્યો હતો.
શાહરૂખ ખાન અને તેના 85 વર્ષના ફૅન
શાહરૂખ ખાનની ફિલ્મ `જવાન`ને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ રિલીઝ થયાના આટલા દિવસો બાદ પણ લોકોમાં આ ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ ઓછો થયો નથી. માત્ર બાળકો અને યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો પણ શાહ રૂખ ખાનની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક 85 વર્ષના દાદી પણ શાહરૂખ ખાનની ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચી ગયા હતા અને તેઓએ ફિલ્મ જોયા બાદ ફિલ્મો રિવ્યુ પણ આપ્યો હતો.
આ શાહ રૂખ ખાનની જવાન ફિલ્મના ચાહક દાદીનો વીડિયો પણ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા દાદીને પૂછવામાં આવે છે કે શું દાદી તમે ‘જવાન’ જોવા આવ્યા છો? ત્યારે પેલા વ્યક્તિના સવાલ પર જવાબ આપતાં જ દાદી કહે છે કે હા, હું જવાન જોવા આવી છું. તમે લોકો તો મને લાવતાં નહોતા એટલે હું જ જવાનને મળવા આવી ગઈ છું. આ પછી વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેમને શાહરૂખ ખાનની તમામ ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે. આથી જ તે જવાનને જોવા માટે પણ થિયેટરમાં આવી પહોંચ્યા છે.
ADVERTISEMENT
આ વીડિયો જે પોસ્ટમાં શૅર કરવામાં આવ્યો છે ત્યાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે,”પ્રિય શાહ રૂખ ખાન, મારા 85 વર્ષના દાદી તમારા સૌથી મોટા ફેન છે, તેમણે અમને તમારી આ ફિલ્મ જોવા લઈ જવા કહ્યું હતું. તે જવાનને જોવા ખૂબ જ ઉત્સાહિત હતા. તે પણ તમને ખૂબ જ પ્રેમ કરે છે. વીડિયોમાં દાદી કેમેરા સામે હસી રહ્યા હોય તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
આ સાથે જ દાદીએ એમ પણ કહ્યું કે, “હું જવાન ફિલ્મ જોવા આવી છું. શાહરૂખ ખાનની ફિલ્મ મને ખૂબ પસંદ છે. અમે બધા ફિલ્મ જોઈએ છીએ. મને બહુ જ સારી લાગી ફિલ્મ."
બૉલિવૂડ એક્ટર શાહરૂખ ખાને આ 85 વર્ષના દાદીના વીડિયોને રીટ્વીટ કર્યો છે. આ રીતે 85 વર્ષના દાદી પોતાની ફિલ્મ વિશે મસ્ત રિવ્યુ આપે અને શાહ રૂખ ખાન કંઈ જ ન બોલે એવું બને? આ વીડિયોને રીટ્વીટ કરતા શાહ રૂખ ખાને કેપ્શનમાં લખ્યું કે, "દાદીને ધન્યવાદ. તેમને ખૂબ પ્રેમ અને આશા છે કે હું મારી ફિલ્મથી તેમને સ્માઈલ કરાવતો રહું."
મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર લોકો વીડિયોને રીટ્વીટ કરી રહ્યા છે. જુદી-જુદી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, `દરેક વ્યક્તિ શાહરૂખને પ્રેમ કરે છે.` તો એક યુઝર તો કહી બેઠો `લવ યુ દાદી`