બાળપણમાં જ લગ્ન ફિક્સ થઈ ગયાં હતાં જાવેદ અલીનાં
બાળપણમાં જ લગ્ન ફિક્સ થઈ ગયાં હતાં જાવેદ અલીનાં
જાવેદ અલીનું કહેવું છે કે મારાં લગ્ન બાળપણમાં જ ફિક્સ થઈ ગયાં હતાં. જાવેદ હાલમાં ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં ભૂમિ ત્રિવેદી સાથે ગુજરાત રૉકર્સની કૅપ્ટન્સી સંભાળી રહ્યો છે. જાવેદ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. તે જ્યારે મુંબઈ આવ્યો હતો ત્યારે ભાડાના ઘરમાં રહેતો હતો. જાવેદે ક્યારેય તેની સ્ટ્રગલ વિશે વાત નથી કરી, કારણ કે તેને સિમ્પથી નથી જોઈતી. તે જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તે ફક્ત એટલી ઇચ્છા રાખતો હતો કે તેને એક ઇવેન્ટમાંથી ૨૦૦૦ રૂપિયા મળે જેથી તે અડધા પૈસા તેના ઘરે મોકલી શકે. આ રીતે તેણે કરીઅરની શરૂઆત કરી હતી. જોકે કરીઅર શરૂ કરતાં પહેલાં તેણે પોતાના ઘરે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. આ વિશે વાત કરતાં જાવેદે કહ્યું કે ‘મારા દૂરના એક રિલેટિવે મારી ફૅમિલીને કહ્યું હતું કે અમારી વહુ બાળકને જન્મ આપવાની છે. જો તેને દીકરી આવશે તો તેનાં લગ્ન મારી સાથે કરાવવામાં આવશે. નસીબજોગ તેમને દીકરી અવતરી હતી અને ત્યારે જ મારાં લગ્ન યાસ્મિન સાથે ફિક્સ થઈ ગયાં હતાં. યાસ્મિન અને મેં ક્યારેય અમારો વિચાર નહોતો બદલ્યો અને અમે એમ જ વિચારતાં હતાં કે અમારાં લગ્ન થશે. હું દર રવિવારે તેને મળવા જતો અને તે મારી રાહ જોતી. આજે અમે લગ્નજીવનમાં ખુશ છીએ. જોકે હું જ્યારે ૨૧-૨૨ વર્ષનો હતો ત્યારે યાસ્મિનના પિતા ઇચ્છતા હતા કે અમારાં લગ્ન થઈ જાય. જોકે મારા પપ્પા ઇચ્છતા હતા કે હું પહેલાં સેટલ થઈ જાઉં અને અન્ય વ્યક્તિની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર હોઉં. ઘણી બધી લડાઈ બાદ અમારાં લગ્ન તૂટી ગયાં હતાં. અમારા બન્નેના પેરન્ટ્સ અમારાં લગ્ન અલગ-અલગ જગ્યાએ કરવા માગતા હતા, પરંતુ અમે એમ થવા નહોતું દીધું. યાસ્મિન એ દરમ્યાન ઘણી રડી હતી અને તે મને કેટલો પ્રેમ કરે છે એ તેની ફૅમિલીએ જોયું હતું અને ત્યાર બાદ અમારાં લગ્ન થયાં હતાં.’

