ન્યુઝ ચૅનલ્સ પર કટાક્ષ મારતાં જાવેદ અખ્તરે કહ્યું...
જાવેદ અખ્તર
ન્યુઝ ચૅનલ્સ પર જ રીતે કરણ જોહરની પાર્ટીનો મુદ્દો છવાયેલો છે એને જોતાં તેમનાં પર કટાક્ષ કરતાં જાવેદ અખ્તરે જણાવ્યું છે કે તેણે પાર્ટીમાં ખેડૂતોને બોલાવ્યા હોત તો સારું થાત. સોશ્યલ મીડિયામાં કરણ જોહરે ગયા વર્ષે જે પાર્ટી આપી હતી એનો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, વિક્કી કૌશલ, શાહિદ કપૂર, વરુણ ધવન, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, ઝોયા અખ્તર અને અયાન મુખરજી હાજર હતાં. પાર્ટી દરમ્યાન એ લોકોએ ડ્રગ્સ લીધું હોવાની ચર્ચાનો વિષય બની ગયો છે. ન્યુઝ ચૅનલ્સમાં પણ એ પાર્ટીને જ વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જોકે તાજેતરમાં જ સંસદમાં ખેડૂતોને સંબંધિત એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં ખેડૂતો ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ સમાચારનો તો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવી રહ્યો. આ જ કારણ છે કે ટ્વિટર પર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું હતું કે ‘જો કરણ જોહરે તેની પાર્ટીમાં થોડા ખેડૂતોને પણ બોલાવ્યા હોત તો કદાચ ટીવી ચૅનલ્સ માટે આ સરળ બની જાત. તેમને ખેડૂતોનાં આંદોલન અને કરણની પાર્ટીમાંથી કોઈ એકને જ પસંદ કરવાની જરૂર ન પડી હોત. એવું લાગી રહ્યું છે કે કરણની પાર્ટી આપણી ચૅનલ્સની બીજી સૌથી મનપસંદ પાર્ટી છે.’

