જે. પી. દત્તાની દીકરી આજે ડિરેક્ટર બિનોય ગાંધી સાથે કરશે લગ્ન
નિધિ અને બિનોય
જે. પી. દત્તા અને બિન્દિયા ગોસ્વામીની દીકરી નિધિ આજે ડિરેક્ટર બિનોય ગાંધી સાથે લગ્ન કરવાની છે. ગઈ કાલે તેની મેંદી અને સંગીત સેરેમની યોજવામાં આવી હતી. જયપુરના રામબાગ પૅલેસમાં આ ભવ્ય લગ્ન કરવામાં આવશે. આ લગ્નમાં સુનીલ શેટ્ટી, અર્જુન રામપાલ, અનુ મલિક અને સોનુ નિગમ હાજર રહેવાના છે. દીકરીનાં લગ્ન વિશે બિન્દિયા ગોસ્વામીએ કહ્યું હતું કે ‘હું નિધિનાં લગ્નને લઈને ખૂબ ઉત્સાહિત છું. બાળપણથી જ તેનું સપનું હતું કે આ મહેલમાં તેનાં લગ્ન કરવામાં આવે. એટલી નાની ઉંમરમાં તેણે વિચારી રાખ્યું હતું કે તેને એ પૅલેસમાં લગ્ન કરવાં છે. તે મારી રાજકુમારી છે અને તેની આ ઇચ્છાને પૂરી કરવી અને તેના સપનાના રાજકુમાર સાથે લગ્ન કરવાં એ ડબલ ધમાકા છે.’
કોવિડને જોતાં લગ્નમાં તમામ પ્રકારની સાવચેતી લેવાની વાત કહેતાં બિન્દિયા ગોસ્વામીએ કહ્યું હતું કે ‘અમે મુંબઈથી જ સાવચેતી લઈ રહ્યાં છીએ. હોટેલમાં પણ કોવિડ ટેસ્ટ જરૂરી હતી. એથી અમે ઍરપોર્ટ પર જ ટેસ્ટ કરી હતી. અમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે એથી અમે હોટેલ, સ્ટાફ અને દરેક સાથે સાવધાની રાખી રહ્યાં છીએ. સ્ટાફના લોકોની કોવિડ ટેસ્ટ કરવામાં આવી છે. જો કોઈ બહારથી આવે તો તેમની ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. એથી હા, અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ.’

