મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ ફિલ્મ જગતમાં યોગદાન આપનારા મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. એમાં ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાને પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશ્યલ કૉન્ટ્રિબ્યુશન અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
જે. પી. દત્તા અને વિધુ વિનોદ ચોપડાને કરાયા રાજ કપૂર અવૉર્ડ્સથી સન્માનિત
મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ ફિલ્મ જગતમાં યોગદાન આપનારા મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. એમાં ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાને પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશ્યલ કૉન્ટ્રિબ્યુશન અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. તો સાથે જ જે. પી. દત્તાને મહારાષ્ટ્ર ભૂષણ રાજ કપૂર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગાયક સુરેશ વાડકરને જ્ઞાનસમ્રાજ્ઞી લતા મંગેશકર અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ અવૉર્ડ તેમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યા હતા. અવૉર્ડ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતાં ‘બૉર્ડર’ના ડિરેક્ટર જે. પી. દત્તાએ કહ્યું કે ‘મારો જ્યાં જન્મ અને ઉછેર થયો છે ત્યાં જ મને સન્માનિત કરવામાં આવે તો એનાથી વિશેષ વસ્તુ કોઈ ન હોઈ શકે. આ રાજ્ય, આ શહેર મારા માટે એક ઘર છે અને ઘર જો તમને સન્માનિત કરે તો એનાથી મોટું સન્માન કોઈ ન હોઈ શકે. સાથે જ આર. કે. ફિલ્મ સ્ટુડિયોથી કરીઅરની શરૂઆત કર્યા બાદ રાજ કપૂરના નામથી જ સન્માનિત કરવામાં આવે તો એ લાગણીને શબ્દોમાં વ્યક્ત ન કરી શકું. આ અવૉર્ડ અને આ ઓળખ માટે હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કલ્ચર મિનિસ્ટ્રીનો આભાર માનું છું.’



