સની અને વરુણ ‘બૉર્ડર 2’માં કામ કરી રહ્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ગઈ કાલે ઇન્ડિયન આર્મી ડે હતો એ અવસરે સની દેઓલ અને વરુણ ધવને દેશના સૈનિકો સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
સની દેઓલે આ દિવસે દેશના વાસ્તવિક નાયકોની હિંમત, બલિદાન અને અતૂટ સમર્પણને પણ સલામ કરી હતી. સનીએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડિયો અને તસવીરો શૅર કર્યાં છે. એક વિડિયોમાં કલાકારો અને સૈનિકો ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. બાકીની તસવીરોમાં સની સૈનિકો સાથે તસવીરો પડાવતો અને તેમની સાથે પંજો લડાવતો પણ જોવા મળે છે. આ પોસ્ટ શૅર કરતી વખતે સનીએ કૅપ્શનમાં લખ્યું હતું, ‘આપણા નાયકોની હિંમત, બલિદાન અને અતૂટ સમર્પણને ત્યારે, હવે અને હંમેશાં સલામ. હૅપી ઇન્ડિયન આર્મી ડે. હિન્દુસ્તાન ઝિંદાબાદ, સેના દિવસ.’
ADVERTISEMENT
આ પછી સની દેઓલે ચાહકોને લોહરી અને મકરસંક્રાન્તિની શુભેચ્છા પણ પાઠવી હતી.
આર્મી ડે પર સૈનિકો સાથેનો સેલ્ફી શૅર કરતી વખતે વરુણ ધવને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘આ આર્મી ડે પર ભારતના વાસ્તવિક હીરોનું સન્માન કરો. તેમની સાથે હોવાનો ગર્વ છે.’
ભારતમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે ઊજવવામાં આવે છે. આ દિવસ લેફ્ટનન્ટ જનરલ કે. એમ. કરિયપ્પાના સન્માનમાં ઊજવવામાં આવે છે. તેમણે ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
સની અને વરુણ ‘બૉર્ડર 2’માં કામ કરી રહ્યા છે. સનીએ શૅર કરેલી તસવીરો ગઈ કાલની જ છે કે નહીં એની સ્પષ્ટતા નથી કરી, પણ વરુણે એવું લખ્યું છે કે તેમની સાથે હોવાનો ગર્વ છે એટલે કદાચ તે સૈનિકો સાથે જ હતો. ‘બોર્ડર 2’માં અભિનેતા-ગાયક દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ છે. આ ફિલ્મ ૨૦૨૬ની 2૬ જાન્યુઆરીએ રિલીઝ થશે.

