ઇન્દીપે કહ્યું કે ‘હું હંમેશાં જોતો આવ્યો છું કે બાદશાહ અન્ય સિંગર્સને હલકા દેખાડવાની વાતો કરે છે. હું તેની અસલિયત જાણું છું.
ઇન્દીપ બક્ષી
‘કાલા ચશ્મા’ અને ‘સેટરડે સેટરડે’ જેવાં હિટ સૉન્ગ આપનાર સિંગર ઇન્દીપ બક્ષીએ સિંગર બાદશાહના વર્તન પર પ્રકાશ પાડ્યો છે. ઇન્દીપનું કહેવું છે કે બાદશાહ અન્ય સિંગર્સને નીચા દેખાડે છે. ઇન્દીપનું ગીત ‘મૈં ઝિંદા હૂં’ રિલીઝ થવાનું છે, એવામાં બાદશાહના વર્તનનો ખૂલાસો કરતાં ઇન્દીપે કહ્યું કે ‘હું હંમેશાં જોતો આવ્યો છું કે બાદશાહ અન્ય સિંગર્સને હલકા દેખાડવાની વાતો કરે છે. હું તેની અસલિયત જાણું છું. ૨૦૧૦માં મારાં ગીતો માટે હું એક કૉમન ફ્રેન્ડ દ્વારા તેને મળ્યો હતો. એ વખતે તે ભારત અને મ્યુઝિક બધું જ છોડીને જવાનો હતો. તેણે ‘જવાની’ મ્યુઝિક વિડિયો બનાવ્યો હતો, પરંતુ એ રિલીઝ નહોતો કર્યો. અમારા ‘સેટરડે સેટરડે’ ગીત, જેનું મેં માર્કેટિંગ અને પ્રમોશન કર્યું હતું એને ધર્મા પ્રોડક્શન્સે લીધું અને એ ગીત વિશ્વભરમાં હિટ બની ગયું હતું.’
હની સિંહને સપોર્ટ કરવાની વાત કરતાં ઇન્દીપે કહ્યું કે ‘હું હંમેશાં હની સિંહને સપોર્ટ કરતો રહીશ. પછી એ ભલે મારા ગીતમાં પર્ફોર્મ કરે કે ન કરે. તે જે પરિસ્થિતિમાંથી પસાર થયો છે એ તકલીફ હું સમજી શકું છું. તે એ કપરા સમયમાંથી પાછો ફર્યો છે.’