મિથુન ચક્રવર્તીએ કહ્યું કે તેના ખરાબ સમયમાં તેની ગર્લફ્રેન્ડ તેમને છોડીને જતી રહી હતી.
મિથુન ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીએ કહ્યું કે તેના ખરાબ સમયમાં તેની ગર્લફ્રેન્ડ તેમને છોડીને જતી રહી હતી. મિથુને હાલમાં જ ‘સા રે ગા મા પા’માં હાજરી આપી હતી. આ શોને હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જજ કરી રહ્યા છે. આ શો આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યો છે. શોના સ્પર્ધક રીક બાસુના ‘ડિસ્કો ડાન્સર’ પર્ફોર્મન્સ બાદ મિથુને કહ્યું કે ‘મને તારો પર્ફોર્મન્સ પસંદ પડ્યો. હું આ શોને ફૉલો કરી રહ્યો છું અને રીક મને તારા ભૂતકાળ વિશે ખબર છે. તારી શું ફીલિંગ્સ છે એની સાથે હું કનેક્ટ થઈ શકું છું. દરેકે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે. જોકે મારા અનુભવમાંથી હું એટલું શીખ્યો છું કે પ્રેમ કરવો અને પ્રેમમાં હોવું એ ખૂબ સારી ફીલિંગ છે, પરંતુ એમાં આંધળા હોવું એ નહીં. મારી લાઇફમાં પણ હું આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. હું ગળાડૂબ પ્રેમમાં હતો અને તે મને છોડીને જતી રહી હતી. એ ક્ષણે મારી લાઇફ બદલી નાખી હતી. હું રેગ્યુલર સ્ટારમાંથી સુપરસ્ટાર બની ગયો હતો. આજે લોકો મને લિવિંગ લેજન્ડ કહે છે. એક દિવસ અજાણતામાં હું તેને ટ્રેનમાં મળ્યો હતો. તેણે જ્યારે મને જોયો ત્યારે તે મારાથી સંતાઈ રહી હતી. મેં તેની પાસે જઈને કહ્યું કે તેણે એ સમયે યોગ્ય કર્યું હતું. મારું કોઈ ફ્યુચર નહોતું, મારી પાસે ઘર નહોતું અને મારી પાસે ખાવા પૂરતું જ હતું એથી હું તેને કંઈ આપી શકું એમ નહોતો. તે રડી પડી હતી અને તેને રીગ્રેટ થઈ રહ્યું હતું. જોકે મેં તેને સમજાવી કે તારા નિર્ણયે આજે હું જે છું એ બન્યો છું. રીક મને લાગે છે કે જીવનનું સર્કલ જ્યારે પૂરું થવાનું હશે ત્યારે તે તને પણ મળશે અને તારી જે ખરાબ ફીલિંગ છે એ જતી રહેશે.’