મને કોઈ ગોળી ન મારી દે ત્યાં સુધી હું કામ કરીશ
અક્ષયકુમાર
અક્ષયકુમાર નિષ્ફળતાને ક્યારેય ધ્યાનમાં નથી લેતો અને સતત કામ કરવામાં માને છે. તેની ‘સરફિરા’ નિષ્ફળ રહી છે અને હવે તેની ‘ખેલ ખેલ મેં’ પંદરમી ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર, તાપસી પન્નુ, ફરદીન ખાન અને અપારશક્તિ ખુરાનાએ કામ કર્યું છે. નિષ્ફળતા અને એક વર્ષમાં ચાર-પાંચ ફિલ્મોમાં કામ કરવા વિશે વાત કરતાં અક્ષયકુમાર કહે છે, ‘ચાર-પાંચ ફિલ્મ નિષ્ફળ રહે છે કે મને મેસેજ આવવાના શરૂ થાય છે કે સૉરી યાર, ચિંતા નહીં કરતો. હું કંઈ મૃત્યુ નથી પામ્યો. મને એવા મેસેજ આવે છે જાણે અવસાન નોંધ આપી રહ્યા હોય. એક જર્નલિસ્ટે કહ્યું હતું કે ચિંતા નહીં કરતો, તું બહુ જલદી કમબૅક કરશે. મેં જવાબ આપ્યો કે હું કશે ગયો જ ક્યાં હતો, હું અહીં જ છું અને હંમેશાં કામ કરતો રહીશ. લોકો ભલે ગમે તે કહે. તમારે સવારે વહેલા ઊઠવું જોઈએ, કસરત કરવી જોઈએ અને ત્યાર બાદ કામે જવું જ જોઈએ. હું જે પણ કમાઉં છું એ મારી મહેનતથી કમાઉં છું. મને કોઈ ગોળી ન મારે ત્યાં સુધી હું કામ કરતો રહીશ.’