રવીના ટંડનની દીકરી રાશાની પહેલી ફિલ્મની રિલીઝ સાથે જ તેના અંગત જીવનની ચર્ચા શરૂ થઈ ગઈ
રાશા થડાણી
રવીના ટંડનની દીકરી રાશા થડાણી પોતાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ની રિલીઝને કારણે ચર્ચામાં છે. જોકે આ ફિલ્મે ખાસ દેખાવ નથી કર્યો, પણ રાશાની ઍક્ટિંગ અને ડાન્સ બધાને ગમી ગયાં છે. ૧૯ વર્ષની રાશા ઍક્ટિંગના ફીલ્ડમાં જ કરીઅર બનાવવા ઇચ્છે છે.
રાશાના ચાહકોની સંખ્યા વધી ગઈ છે ત્યારે એક ઇન્ટરવ્યુમાં રાશાએ રિલેશનશિપ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘જ્યાં સુધી હું લગ્ન ન કરી લઉં ત્યાં સુધી હું મારી કોઈ પણ રિલેશનશિપ વિશે જાહેરમાં વાત નહીં કરું અને એને દુનિયાથી છુપાવી રાખીશ. મારા માટે લગ્ન બહુ મહત્ત્વનાં છે અને હું લગ્ન વિશે, મારા પ્રેમસંબંધ વિશે લોકોને જણાવીશ. જો મારી કોઈ રિલેશનશિપ હશે તો પણ જ્યાં સુધી
ADVERTISEMENT
મારાં લગ્ન નહીં થાય ત્યાં સુધી એને પ્રાઇવેટ રાખીશ. હાલમાં મારું સંપૂર્ણ ધ્યાન મારા કામ પર છે. મારે એક સફળ ઍક્ટ્રેસ બનવું છે અને એ હું બનીને બતાવીશ. મને ખબર છે કે આને માટે આકરી મહેનત કરવી પડશે, પણ હું એ માટે તૈયાર છું.’
રાશા હાલમાં બિઝનેસ મૅનેજમેન્ટના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને તે ફિલ્મોમાં કરીઅર બનાવવા માગે છે. તેણે પોતાનો સ્કૂલનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાંથી કર્યો છે. રાશાની ગણતરી હોશિયાર વિદ્યાર્થીમાં થતી હતી, પણ પોતાની પહેલી જ ફિલ્મની રિલીઝ સાથે તેનું રિલેશનશિપ સ્ટેટસ ચર્ચામાં આવી ગયું છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે રાશા અને ક્રિકેટર ગૌતમ યાદવ વચ્ચે સીક્રેટ ડેટિંગ ચાલી રહ્યું છે. હકીકતમાં ગૌતમે એકાએક રાશાને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરવાની શરૂઆત કરી દીધી અને બધી પોસ્ટને લાઇક કરવા માંડ્યો હતો જેને કારણે આ ચર્ચા શરૂ થઈ હતી. જોકે આ મામલે બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા નથી કરી.