જેટલી અપેક્ષા હશે એના કરતાં વધુ કામ કરીશ
ફાઇલ તસવીર
પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું કે તેણે અગાઉથી જ પ્રોડ્યુસર્સને જણાવી રાખ્યું હતું કે તેને સ્ટિરિયોટિપિકલ રોલ ન આપવામાં આવે. તેણે ૨૦૧૫માં આવેલી અમેરિકન ટીવી-સિરીઝ ‘ક્વૉન્ટિકો’માં કામ કર્યું હતું. હવે તેની વેબ-સિરીઝ ‘સિટાડેલ’ ખૂબ ધમાલ મચાવી રહી છે. એની બીજી સીઝનની પણ તૈયારી ચાલી રહી છે. પ્રિયંકા હૉલીવુડમાં ખૂબ ઍક્ટિવ છે. ૨૦૧૮માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન બાદ તે ત્યાં સેટલ થઈ છે. પ્રિયંકા અને નિક સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ પણ બન્યા છે. થોડા સમય પહેલાં જ પ્રિયંકા અને નિક તેમની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે મુંબઈ આવ્યાં હતાં. એક જ પ્રકારના રોલમાં નથી બંધાવું એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મારે સપોર્ટિંગ રોલ તરીકે કામ નહોતું કરવું. હું જાણું છું કે એ રોલ પણ મેં કર્યો છે. એથી અનેક મીટિંગ્સ દરમ્યાન મેં પ્રોડ્યુસર્સને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે મને સ્ટિરિયોટિપિકલ પાર્ટ્સ ન આપવામાં આવે. મારે એવા રોલ નથી કરવા. હું તમારા માટે સખત મહેનત કરીશ. મારું કામ હું સારી રીતે જાણું છું. હું સેટ પર આવીશ અને મારી પાસે જે કામની અપેક્ષા રાખો છો એનાથી દસ ટકા વધુ કામ કરીશ અથવા તો વીસ ટકા વધુ યોગદાન આપીશ. તમે જેને પણ કાસ્ટ કરશો તેમનાથી તો હું ચડિયાતી હોઈશ, કારણ કે મહેનત કરવાથી હું ગભરાતી નથી. તમારું કામ દેખાવું જરૂરી છે.’