બે બાઇક પર સવાર થઈને એન્ટ્રી કરવાનો સ્ટન્ટ મારી ઓળખ બની જશે એ મેં સપનામાં પણ ક્યારેય નહોતું વિચારેલું : અજય દેવગન
અજય દેવગન
અજય દેવગન તેની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટેં’માં કરેલા બાઇકના સ્ટન્ટનો રોમાંચ આજે પણ અનુભવે છે. બાવીસ નવેમ્બરે આ ફિલ્મની રિલીઝને ૩૦ વર્ષ થવાનાં છે. આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં અજય દેવગનની એન્ટ્રી તો થઈ, પરંતુ સાથે જ જે રીતે તે ફિલ્મમાં બે બાઇક પર સવાર થઈને એન્ટ્રી કરે છે એ સેન્સેશન બની ગયું હતું. ખાસ વાત તો એ હતી કે આ સીનને અજય દેવગનના ડૅડી ઍક્શન માસ્ટર વીરુ દેવગને ડિરેક્ટ કર્યો હતો અને એ પણ સ્ટન્ટ ડબલનો ઉપયોગ કર્યા વગર. આ ફિલ્મ બાદ અજયે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘ફૂલ ઔર કાંટેં’ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘મારી આ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટેં’નાં ૩૦ વર્ષને માણવાં સ્પેશ્યલ છે. આ ફિલ્મ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં મેં કદમ માંડ્યાં હતાં. બે બાઇક પર સવાર થઈને એન્ટ્રી કરવાનો સ્ટન્ટ મારી ઓળખ બની જશે એ મેં સપનામાં પણ નહોતું વિચારેલું. ચાલતી બાઇક્સની વચ્ચે એ સ્ટન્ટ પર્ફોર્મ કરતી વખતનો રોમાંચ હું આજે પણ અનુભવું છું. ત્યાર બાદથી હિન્દી સિનેમાના દાયરા વિસ્તાર પામ્યા અને હું નસીબદાર છું કે આ વિકસિત ઇન્ડસ્ટ્રીનો હું ભાગ બન્યો. હું ખૂબ જ અદ્ભુત અને ઇમોશનલ અનુભવી રહ્યો છું કે ‘ફૂલ ઔર કાંટેં’ની સાથે મારી કરીઅરને ૩૦ વર્ષ થયાં છે.’