ત્રીજી વાર પરણીશ કે કેમ એવા સવાલના જવાબમાં આમિર કહે છે...
આમિર ખાન ચૅટ-શોમાં
રિયા ચક્રવર્તીના ચૅટ-શો ‘ચૅપ્ટર 2’માં આમિર ખાન પહોંચ્યો હતો. એ શોમાં આમિરે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનાં અનેક પાસાંઓ પર ચર્ચા કરી હતી. એ દરમ્યાન આમિરે જણાવ્યું કે તેને એકલા રહેવું પસંદ નથી. એથી ૫૯ વર્ષની વયે તેને લગ્ન કરવાં છે, પરંતુ મુશ્કેલ લાગે છે. આમિરે ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૨માં તેમના ડિવૉર્સ થયા હતા. તેમને જુનૈદ અને આઇરા નામનાં બે બાળકો છે. બાદમાં આમિરે ૨૦૦૫માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને આઝાદ નામનો દીકરો છે. કિરણ સાથે પણ તેના ૨૦૨૧માં ડિવૉર્સ થયા હતા. હવે આમિરને એકલતા લાગી રહી છે. એ વિશે આમિર કહે છે, ‘મારાં બે લગ્ન નિષ્ફળ ગયાં હતાં. એથી મારી પાસે લગ્નની તો સલાહ ન માગતા. મને એકલા રહેવું નથી પસંદ. મારે પાર્ટનરની જરૂર છે. હું મારી બન્ને એક્સ-વાઇફ રીના અને કિરણની નજીક છું. અમે એક પરિવાર જેવા છીએ. જીવન અણધાર્યું છે, એથી એનો ભરોસો ન થાય. સફળ લગ્નજીવન વ્યક્તિ પર આધાર રાખે છે. હું ૫૯ વર્ષનો છું. હવે ક્યાંથી લગ્ન કરવાનો? મુશ્કેલ લાગે છે. મારી લાઇફમાં હાલમાં તો મારા અનેક સંબંધો છે. હું મારા પરિવાર સાથે, મારાં બાળકો સાથે ફરીથી જોડાયો છું. તેમની સાથે હું ખૂબ ખુશ છું. હું એક સારી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

