સ્ટ્રગલના પિરિયડમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે: નવાઝુદ્દીન
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તેને પોતાના સ્ટ્રગલિંગ પિરિયડમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. કરીઅરની શરૂઆતમાં તેણે અનેક નાના-મોટા રોલ્સ કર્યા હતા. ૧૯૯૯માં આવેલી ‘સરફરોશ’માં તે માત્ર એક સીનમાં જ દેખાયો હતો. જોકે તેને ખરી ઓળખ ‘ગૅન્ગ્સ ઑફ વાસ્સેપુર’ અને એની સિરીઝથી મળી હતી. આજે હિન્દી સિનેમામાં તે બેસ્ટ ઍક્ટર તરીકે ઓળખાય છે. જોકે આજે મળેલી સફળતાની પાછળ તેની સખત મહેનત અને સ્ટ્રગલ સમાયેલી છે. એ વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘મારી જર્નીમાં મેં ૧૨ વર્ષો સુધી સ્ટ્રગલ કરી છે. મેં નાના રોલ્સ કરવાનું શરૂ કર્યું હતું. હું ભગવાનનો આભારી છું કે ૨૦૧૨માં આવેલી ‘ગૅન્ગ્સ ઑફ વાસ્સેપુર’, ‘કહાની’, ‘તલાશ’ અને અન્ય ફિલ્મો મળી હતી. એને કારણે મારી જર્ની બદલાઈ ગઈ. શરૂઆતમાં ઘણા બધા ઉતાર-ચડાવ આવ્યા હતા. સ્ટ્રગલનો સમય હું ભૂલી નહીં શકું. એ સમયમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું. એ વખતે અનેક અનુભવો મળ્યા હતા અને એ અનુભવો મને આજે કામમાં આવે છે. ખરાબ સમયમાંથી જ માણસ શીખે છે. એ તબક્કાએ મને ખૂબ શીખવાડ્યું હતું. એનાથી મને આજે મદદ મળી છે.’

