તેની ‘બંદા’ ૨૬ મેએ રિલીઝ થવાની છે.
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ જણાવ્યું છે કે તે જ્યારે પહેલી વખત અમિતાભ બચ્ચનને મળ્યો તો તેમની સાથે નજર ન મિલાવી શક્યો, કેમ કે તેણે ખૂબ શરાબ પીધો હતો. એથી તે ખૂબ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો. તેની ‘બંદા’ ૨૬ મેએ રિલીઝ થવાની છે. તેણે રામ ગોપાલ વર્માની ‘સત્યા’માં કામ કર્યું હતું. એ ફિલ્મ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારને દેખાડવામાં આવી હતી. એ વખતનો અનુભવ યાદ કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘રામ ગોપાલ વર્માએ આખો સ્ટુડિયો અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર માટે બુક કર્યો હતો. બાળપણથી જ હું તેમનો ફૅન હતો અને તેમને કદી જોયા નહોતા. તેઓ ફિલ્મ જોવા આવ્યા. તેઓ આવ્યા એ પહેલાં પોલીસની વૅન્સ પહોંચી ગઈ હતી. અમિતાભ બચ્ચન અને તેમના પરિવારનું રામ ગોપાલ વર્માએ સ્વાગત કર્યું. રામુની કારમાં હંમેશાં વૉડકાની બૉટલ હોય છે. તેમણે કહ્યું કે અમિતજી ફિલ્મ જોઈ રહ્યા છે ત્યાં સુધી આપણે સેલિબ્રેટ કરીએ. અમે ડ્રિન્ક કરવાની શરૂઆત કરી. મને એહસાસ થયો કે હવે ફિલ્મ પૂરી થવા આવી હશે અને અમિતાભ બચ્ચન ક્યારે પણ સ્ટુડિયોમાંથી બહાર આવી શકે છે. રામ ગોપાલ વર્મા ગયા અને મને પણ સાથે બોલાવ્યો. જોકે મેં ડ્રિન્ક કર્યું હોવાથી મેં તેમને ના પાડી. તેમણે હા પાડી અને નીકળી ગયા. જોકે કારમાં બેઠેલા ખાલિદ મોહમ્મદે મને કારની બહાર ધક્કો માર્યો અને કારને અંદરથી લૉક કરી દીધી. મને ખબર ન પડી કે હું શું કરું. હું વૉશરૂમ ગયો. હું જ્યારે બહાર આવ્યો તો અભિષેક બચ્ચન બહાર આવ્યો અને તેણે મારી સાથે વાત કરી. એ જ સમયે મને લાગ્યું કે હજી કોઈ મારી સામે આવીને ઊભું છે. હું ફક્ત એ માણસની છાતીને જોઈ શકતો હતો અને મારામાં તેમની સામે જોવાની હિમ્મત નહોતી, કારણ કે હું જાણતો હતો કે તે બીજું કોઈ નહીં, પરંતુ અમિતાભ બચ્ચન છે.’