ઋષિ કપૂર સાથે જોડાયેલી યાદો પર એક પુસ્તક પણ લખી શકું છું : સુભાષ ઘઈ
સુભાષ ઘઈ
ઋષિ કપૂરને ‘કર્ઝ’માં ડિરેક્ટ કરનાર સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે તેમની સાથે એટલી તો યાદો સંકળાયેલી છે કે એના પર એક પુસ્તક પણ લખાય એમ છે. ગુરુવારે ઋષિ કપૂરના નિધનના સમાચાર સાંભળીને સૌકોઈ ચોંકી ગયા હતા અને આ વાત પર કોઈ વિશ્વાસ કરવા રાજી નહોતું. ઋષિ કપૂર સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જણાવતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘તેમની સાથે મારી એટલી તો યાદો જોડાયેલી છે કે ઋષિ કપૂર વિશે હું એક બુક પણ લખી શકું છું. અમિતાભ બચ્ચનના ટ્વીટથી મને તેમના અવસાન વિશે જાણ થઈ હતી. મેં તેમની ફૅમિલીને ફોન કર્યો હતો, જોકે કોઈ રિસ્પૉન્સ નહોતો મળ્યો. ત્યાર બાદ ટીવીમાં તેમના નિધનના સમાચાર જોઈને હું શૉક્ડ થઈ ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં હું તેમને મળ્યો હતો. તેમણે તેમની આવનારી ફિલ્મ અને શૂટિંગ વિશે જણાવ્યું હતું. મેં તેમને કહ્યું હતું કે ‘તમે શું કામ ફિલ્મ કરો છો? તમારે આરામ કરવો જોઈએ. તમારા સ્વાસ્થ્યને લઈને એક જોખમની ઘંટી વાગી ચૂકી છે.’ તો તેમણે મને કહ્યું હતું કે તમે આરામ કરી શકો છો, પરંતુ હું ન કરી શકું. છેલ્લાં પાંચ વર્ષમાં તમે ‘કાંચી’ બાદ એક પણ ફિલ્મ નથી બનાવી. નવી ફિલ્મ બનાવો, હું તમારી સાથે જ છું. દરેક જણ તમારી સાથે છે. એ વખતે મને લાગ્યું જાણે કે મારા ડૅડી મને ઠપકો આપી રહ્યા હતા. ખરું કહું તો હું તેમને ઠપકો આપવા ગયો હતો. હું તરત હસવા લાગ્યો હતો. મારા માટે તો તેઓ હંમેશાં ચિન્ટુ એક બાળક જ રહ્યા છે. જીવનના અંત સમય સુધી મેં તેમનામાં એક બાળકનો જ અનુભવ કર્યો છે.’
ઋષિ કપૂર સાથેના સંબંધો પર પ્રકાશ પાડતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘અમારા સંબંધો પ્રોફેશનલ લેવલના નહોતા. અમારી વચ્ચે દિલના સંબંધો હતા. તે મારા ખાસ ફ્રેન્ડ હતા. અમને એકબીજાની ચિંતા હંમેશાં થતી હતી. તેઓ સીધા, સ્પષ્ટવક્તા અને પ્રામાણિક હતા. જો તેઓ કદી ખોટી વાત પર ઝઘડો પણ કરતા તો ફોન કરીને માફી પણ માગતા હતા. હું તેમને હંમેશાં કહેતો હતો કે તેઓ લવર બૉયના ચહેરાવાળા સ્ટાર છે. એથી કોઈ પણ તેમને માફિયા ચીફ, દાદા અથવા તો ગેનો રોલ ન આપી શકે. જોકે તેમણે આવા રોલ કરીને મને ચોંકાવી દીધો હતો. ત્યાર બાદ તેમણે મને કહ્યું હતું કે ‘હવે તમે મારું પાત્ર લખો.’ તેઓ એ પણ જાણતા હતા કે જો કોઈ કૅરૅક્ટર તેમને યોગ્ય હશે તો હું નક્કી તેમને એ રોલ ઑફર કરીશ. અમે ફંક્શન્સમાં મળતા હતા. એકબીજાના ઘરે જઈને સાથે જમતા પણ હતા. અમારો સંબંધ કદી પણ ખતમ નહીં થાય. ફિલ્મ જ્યારે પૂરી થઈ જાય ત્યારે કલાકારો તમને ભૂલીને આગળ વધી જાય છે. જોકે ખૂબ ઓછા એવા કલાકારો હોય છે જે દોસ્તોના દોસ્ત હોય છે. લોકો ઘણી વખત એમ વિચારતા હતા કે આ બન્ને તો સાથે ફિલ્મો નથી કરતા, પરંતુ બન્ને વચ્ચે મિત્રતા ખૂબ છે. અમારી વચ્ચે દિલથી દિલનો સંબંધ છે જે પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ કરતાં પણ અગત્યનું છે. ભારતના ટૉપ પાંચ ઍક્ટર્સમાં હું ઋષિ કપૂરનું નામ ઉમેરીશ. તેઓ એક પરિવારમાંથી આવતા હતા જે હંમેશાં એક થઈને રહે છે. ચિન્ટુ એક ફૅમિલીમૅન હતા. તેમણે પોતાની ફૅમિલી અને પ્રોફેશનલ વૅલ્યુઝ વચ્ચે બૅલૅન્સ જાળવી રાખ્યું હતું. ચિન્ટુ બચ્ચા. એક બાળક હોવાને કારણે જ તેઓ એક સારી વ્યક્તિ હતા. બાળક હોવાને કારણે જ તેઓ એક ઉમદા કલાકાર હતા. તેમણે પોતાની અંદરના બાળકને હંમેશાં જીવંત રાખ્યું હતું. ઋષિ કપૂરની આ સૌથી સારી ક્વૉલિટી હતી. એક ચાઇલ્ડ સ્ટાર ચાલ્યો ગયો. એક એવો કલાકાર જે 45 વર્ષથી ચાઇલ્ડ સ્ટાર હતો.’

