થિયેટર સાવ બંધ થવાં જોઈએ એમ હું નથી કહેતો: ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયા
ડિજિટલ દુનિયાને કારણે તો ખરું જ અને સાથે કોરોના વાઇરસને કારણે લૉકડાઉન આવતાં ફિલ્મો જોવાનાં માધ્યમ સદંતર બદલાઈ ગયાં છે. થિયેટર ખૂલ્યાં છે, પરંતુ હજી પણ એકસાથે તમામ લોકો થિયેટરમાં બેસીને ફિલ્મ જોઈ શકે એવા દિવસો દૂર લાગે છે. ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર ધડાધડ ફિલ્મો અને વેબ-સિરીઝ રિલીઝ થઈ રહી છે એવામાં કનિશ્ક વર્માની ફિલ્મ ‘ફૂટફૈરી’ ૨૪ ઑક્ટોબરે સીધી ટીવી પર રિલીઝ થવાની છે! સસ્પેન્સ-થ્રિલર ફિલ્મમાં સીબીઆઇ ઑફિસરનું પાત્ર ભજવતા ‘શૈતાન’, ‘રામલીલા’, ‘હંટર’ અને ‘અફસોસ’ વેબ-સિરીઝના ઍક્ટર ગુલશન દેવૈયા શું કહે છે જાણીએ.
ઓટીટીની જેમ ડાયરેક્ટ ટીવી-રિલીઝનો પણ ટ્રેન્ડ બની શકે છે
ADVERTISEMENT
ગુલશન દેવૈયા કહે છે, ‘છેલ્લા ૬ મહિનાથી થિયેટરો બંધ છે, માટે જે પ્રોડ્યુસર અને પ્રોડક્શન-કંપનીઓ પાસે ફિલ્મો બનીને તૈયાર પડી હતી, પૈસા રોકાયેલા હતા તેમને ઓટીટી પ્લૅટફૉર્મ્સની મદદ મળી. હવે પહેલી વખત ટીવીની મદદ મળી રહી છે. ઑડિયન્સ થિયેટર સુધી નથી પહોંચી શકતું તો ફિલ્મોને ટીવી ઑડિયન્સ સુધી લઈને આવી રહ્યું છે.’
‘આ ટ્રેન્ડને કારણે નાના પ્રોડ્યુસર અને સ્વતંત્ર ડિરેક્ટર છે, જેઓ પોતાની વાર્તા નવી રીતે કહેવા માગે છે, તેમને સારું રહેશે.’ ગુલશન દેવૈયા આગળ કહે છે, ‘સ્મૉલ બજેટ ફિલ્મો બનાવતા પ્રોડ્યુસર અને નવા ફિલ્મમેકર માટે થિયેટ્રિકલ રિલીઝ આમ પણ અઘરી રહે છે. તેનાં ડિસ્ટ્રિબ્યુશન સહિતનાં ઘણાં કારણો છે. આ પ્રૉબ્લેમ પણ અહીં સૉલ્વ થાય છે. મને લાગે છે કે ટીવીનો ટ્રેન્ડ સારો રહ્યો, તો એ પણ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સની જેમ ધમધમાટ ચાલશે. થિયેટર સદંતર બંધ થવાં જોઈએ એમ હું નથી કહેતો. સિનેમા માટે એ સારું છે કે ત્રણેય માધ્યમો - થિયેટર, ટીવી અને ડિજિટલમાં એ ચાલતી રહે.’
એક સમયે એક જ કામ
‘હું એક સમયે એક જ પ્રોજેક્ટ કરું છું. હું શૂટ પહેલાં પણ ઘણો સમય લઉં છું પાત્રને સમજવા માટે. સ્ક્રિપ્ટ વિશે વિચારું હું, કલ્પનાનો પણ પ્રયોગ કરું. મારા હટકે રોલ સફળ થવાનું કારણ કદાચ આ જ છે. જોકે આ પ્રકારના કામમાં અટેન્શન મળતાં થોડી વાર લાગે છે.’

