‘કેજીએફ 2’ના લાઇફટાઇમ બિઝનેસથી વધુનો વકરો કર્યો શાહરુખની ફિલ્મે
‘પઠાન’માં જૉન એબ્રાહમ જિમના રોલમાં દેખાઈ રહ્યો છે
જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને એ વાતની ખુશી છે કે લોકોને વિલનનો રોલ પણ પસંદ પડવા માંડ્યો છે. ‘પઠાન’માં તે જિમના રોલમાં દેખાઈ રહ્યો છે. સોશ્યલ મીડિયામાં તેના આ રોલની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. પચીસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ અને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. પોતાના રોલને મળી રહેલા પ્રેમ વિશે જૉન એબ્રાહમે કહ્યું કે ‘મેં ‘પઠાન’માં ભજવેલા જિમના રોલને જોઈને લોકો જે પ્રકારે પ્રેમ આપે છે એ અદ્ભુત છે. એક ઍક્ટર તરીકે હું દર્શકોનો અને ફૅન્સનો પ્રેમ મેળવવા માટે કામ કરું છું. રેકૉર્ડ્સ અને માઇલસ્ટોન્સ તો ખૂબ મોટી વાત છે. ‘પઠાન’ ઐતિહાસિક બ્લૉકબસ્ટર બની ગઈ એને લઈને હું સૌનો આભારી છું. મને એટલી અપેક્ષા નહોતી કે લોકોને મારું જિમનું કૅરૅક્ટર એટલું પસંદ પડશે કે તેમને તેના વિશે વધુ જાણવાની ઇચ્છા થશે. સોશ્યલ મીડિયામાં લોકો જે પ્રકારે દરરોજ મેસેજિસ કરે છે કે જિમની પ્રીક્વલ કેવી હોવી જોઈએ. લોકોને ‘પઠાન’માં શાહરુખ ખાન હીરો તરીકે ગમી રહ્યો છે. જોકે લોકોને ઍન્ટિ-હીરો પણ પસંદ પડી રહ્યો છે એ જાણીને અતિશય ખુશી થઈ રહી છે. હું નસીબદાર છું કે ‘પઠાન’માં મારા કામની અતિશય નોંધ લેવામાં આવી. આશા હતી કે લોકોને એવા ઍન્ટિ-હીરોનું પાત્ર ભજવીને દેખાડીશ કે જેને તેઓ હંમેશાં યાદ રાખે. મેં જ્યારે ‘પઠાન’ની સ્ટોરી સાંભળી ત્યારે મારો આવો ઇરાદો હતો.’
પોતાના પાત્ર જિમ વિશે જૉન એબ્રાહમે કહ્યું કે ‘જિમ એકદમ હટકે વિલન છે. તેના પાત્રને આવું દેખાડવા પાછળનું પણ કારણ છે. તેણે જે પીડા સહન કરી છે, તેને જે તકલીફ થઈ છે એનાથી તે તૂટી જાય છે અને એથી તે આવો બની જાય છે. મારા માટે જિમ એક શક્તિશાળી પાત્ર છે અને હા, જો આદિત્ય ચોપડા તેને પાછો લાવવા માગે અને વિશ્વને દેખાડે કે તે કેટલો સારો સુપર-સ્પાય હતો અને બાદમાં તે આવો નિર્દય વ્યક્તિ કેમ બની ગયો તો મારા માટે એ ગ્રેટ રહેશે. લુથરાએ ‘પઠાન’માં કહ્યું હતું કે જિમ અને કબીર બિઝનેસમાં બેસ્ટ છે. એથી જો જિમ પર ફિલ્મ બને તો એમાં એક્સપ્લોર કરવા જેવું ઘણુંબધું મળી જશે. મને જાણ નથી કે આદિત્ય ચોપડાના દિમાગમાં શું ચાલી રહ્યું છે. હાલમાં તો હું મને મળી રહેલા પ્રેમને માણી રહ્યો છું અને લોકોને મનોરંજન આપી શકવા માટે સૌનો આભારી છું.’
ADVERTISEMENT
આ પણ વાંચો : જૉનના પાત્રની પ્રીક્વલમાં દેખાશે હૃતિક?
શાહરુખ ખાનની ‘પઠાન’એ બૉક્સ-ઑફિસ પર ‘કેજીએફ 2’ને પછાડી છે. આ ફિલ્મે મંગળવાર સુધીમાં ટોટલ ૪૪૬.૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસ યશની ‘કેજીએફ 2’ના ૪૩૪.૭૦ કરોડ રૂપિયા કરતાં ઘણો વધુ છે. હવે શાહરુખની ફિલ્મ ‘બાહુબલી 2’ના ૫૧૦.૯૯ કરોડ રૂપિયાના બિઝનેસ તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મ ‘બાહુબલી 2’નો આંકડો ક્રૉસ કરે કે નહીં એના પર હવે સૌની નજર છે. જો આ આંકડો ક્રૉસ કર્યો તો એ ઇન્ડિયાની અને ઇન્ડિયામાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની જશે. ‘પઠાન’ના ૪૪૬.૨૦ કરોડ રૂપિયાના બિઝનેસમાં હિન્દી ભાષાનો બિઝનેસ ૪૩૦.૨૫ કરોડ રૂપિયા છે. તામિલ અને તેલુગુ ભાષાનો બિઝનેસ મંગળવાર સુધીમાં ૧૫.૯૫ કરોડ રૂપિયા છે.
એક માથાફરેલાએ બિહારમાં ‘પઠાન’ના સ્ક્રીનિંગ વખતે સ્ક્રીન ફાડી નાખી
બિહારના બેતિયામાં ‘પઠાન’ના સ્ક્રીનિંગ વખતે એક માથાફરેલાએ ચપ્પુથી સ્ક્રીન ફાડી નાખી હતી. મંગળવારે લાલ ટૉકીઝમાં સાંજે છથી નવનો શો ચાલી રહ્યો હતો. પોલીસ મુજબ સાંજે ચાર ફ્રેન્ડ્સ આ ફિલ્મ જોવા માટે ગયા હતા. અચાનક એ ચારમાંથી એક જણ ઊભો થયો અને સ્ક્રીન પાસે જઈને ચાકુથી એના પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ થિયેટરમાં ખાસ્સું તોફાન મચી ગયું હતું. એથી ઑપરેટર્સે શો કૅન્સલ કરવા પડ્યા હતા. થિયેટરમાં હાજર લોકોએ તેના બે ફ્રેન્ડ્સને પોલીસને સોંપી દીધા હતા. એ વિશે ચનપટિયા પોલીસ સ્ટેશનના ઑફિસરે કહ્યું કે ‘મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે અમે હાલમાં પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ.’
સનશાઇન માટે ચાહકોનો આભાર માન્યો શાહરુખે
શાહરુખ ખાને ગઈ કાલે તેનો ફોટો શૅર કરીને ચાહકોનો આભાર માન્યો છે. તેની ‘પઠાન’ને ખૂબ જ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. તેણે જે ફોટો શૅર કર્યો છે એમાં તેના પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે. આ ફોટો શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી કે ‘સૂર્ય એકલો હોય છે. સૂર્ય પોતે સળગતો હોય છે અને અંધકારમાંથી બહાર આવીને તે ફરી રોશની આપે છે. ‘પઠાન’ને આપેલી સનશાઇન માટે દરેકનો આભાર.’