દબંગનો હમ તુમ મેં ઇતને છેદ કરેંગે... ડાયલૉગ લખ્યો હતો સોનુ સૂદે
સોનુ સૂદ
‘દબંગ’માં ‘હમ તુમ મેં ઇતને છેદ કરેંગે...’ આ ડાયલૉગ સોનુ સૂદે લખ્યો હતો. અભિનવ કશ્યપે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. કોરોના વાઇરસના લૉકડાઉન બાદ ‘ધ કપિલ શર્મા શો’ ફરી શરૂ થઈ રહ્યો છે અને એમાં પહેલો ગેસ્ટ બનીને આવેલા સોનુ સૂદે આ વાતનો ખુલાસો કર્યો છે. આ શો લગભગ ચાર મહિના બાદ 1 ઑગસ્ટથી શરૂ થવાનો છે. આ શોમાં સોનુ સૂદનો બર્થ-ડે પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. શો દરમ્યાન કપિલે પૂછ્યું હતું કે શું આ ડાયલૉગ તમે લખ્યો છે? એનો જવાબ આપતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘હા, આ સાચી વાત છે. અમે ફિલ્માલયમાં શૂટિંગ કરી રહ્યા હતા. એ અમારો પહેલો દિવસ જ હતો. અમે ‘મુન્ની બદનામ’ ગીત પૂરું કર્યું હતું. મને ડાયલૉગ લખવામાં ઇન્ટરેસ્ટ હતો અને જે પણ ડિરેક્ટર્સ સાથે હું કામ કરતો હતો તેઓ મારા રાઇટિંગના શોખથી અવગત હતા. અભિનવ અને હું સારા ફ્રેન્ડ્સ છીએ. અમે રાઇટિંગમાં ઘણુંબધું એક્સપ્લોર કરતા રહીએ છીએ. શૂટિંગ દરમ્યાન ડાયલૉગ લખવાનો આઇડિયા આવ્યો. અભિનવ અને મેં સાથે મળીને એને ઢાળ્યો હતો. આ રીતે ‘હમ તુમ મેં ઇતને છેદ કરેંગે...’ આ ડાયલૉગ બની ગયો હતો. સલમાનભાઈએ જ્યારે આ ડાયલૉગ સાંભળ્યો તો તેમણે અભિનવને કહ્યું ‘આ ડાયલૉગ કમાલનો છે, પરંતુ કોણે લખ્યો છે એ ભૂલતા નહીં.’ મને આજે પણ યાદ છે કે અમે જ્યારે વાઇમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સલમાનભાઈ અને હું કારમાં સાથે બેઠા હતા. સલમાનભાઈએ સહજતાથી જ મને પૂછી લીધું હતું કે ‘સોનુ તું ખૂબ લાંબો છે તને બેસતા તો ફાવે છે ને?’ તો મેં કહ્યું કે ‘કાનુન કે હાથ ઔર સોનુ સૂદ કી લાત, દોનોં બહોત લંબી હૈ ભૈયા.’ આ વાતથી તો સલમાન ખાન ખૂબ પ્રભાવિત થયા હતા અને અમે બીજા જ દિવસે એનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મમાં છેદી સિંહનો ડાયલૉગ છે, ‘કાનૂન કે હાથ ઔર છેદી સિંહ કી લાત, દોનોં બહોત લંબી હૈ ભૈયા.’

