હમ આપકે હૈં કૌનની ૩૦મી ઍનિવર્સરીએ માધુરી દીક્ષિત કહે છે...
ફિલ્મનો સીન
‘હમ આપકે હૈં કૌન’ નામ આવતાં જ નજર સામે એ ફિલ્મનો ખુશખુશાલ પરિવાર દેખાવા માંડે. આ ફિલ્મ સાથે જોડાયેલી દિલચસ્પ બાબત શૅર કરતાં માધુરી દીક્ષિત કહે છે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી લોકો ૪-૫ દિવસ સુધી લગ્નનાં ફંક્શન યોજવા માંડ્યા હતા. ફિલ્મમાં માધુરી દીક્ષિત, સલમાન ખાન, રેણુકા શહાણે, મોહનીશ બહલ, અનુપમ ખેર, રીમા લાગુ લક્ષ્મીકાંત બેર્ડે અને આલોક નાથ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મની રિલીઝને ગઈ કાલે ૩૦ વર્ષ પૂરાં થયાં હતાં. આ ફિલ્મ કરીઅરમાં કેટલી મહત્ત્વની હતી એ વિશે પૂછવામાં આવતાં માધુરી કહે છે, ‘આ ફિલ્મ ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે એ વખતે આ ફિલ્મ જબરી હિટ હતી. જે પ્રકારે મારું કૅરૅક્ટર ઘડવામાં આવ્યું હતું એમાં હું લોકોના ઘરની અગત્યની સભ્ય બની ગઈ હતી. હું બહૂ, બેટી, ગર્લફ્રેન્ડ, વાઇફ વગેરે હતી એથી લોકોએ મારો અલગ-અલગ રીતે સ્વીકાર કર્યો હતો. એ જ બાબત ‘હમ આપકે હૈં કૌન’ની ખાસ વાત છે. ફિલ્મ સાથે જોડાયેલા તમામ ઍક્ટર્સ પછી એ સલમાન હોય કે હું હોઉં, તમામ ઍક્ટર્સની કરીઅરમાં ફિલ્મે અગત્યની ભૂમિકા ભજવી હતી. આજે પણ લોકો મને કહે છે કે આ ફિલ્મ જ્યારે પણ ડિજિટલ પ્લૅટફૉર્મ કે પછી અન્ય પ્લૅટફૉર્મ પર આવે તો અમે બધા સાથે બેસીને જોઈએ છીએ. એ ફિલ્મમાં આપણી પરંપરા અને ઇમોશન્સ દેખાડવામાં આવ્યાં હતાં. ઘણા વખત બાદ લોકોને આવી ફિલ્મ જોવા મળી હતી. એ વખતે થતાં લગ્ન પર પણ એની ખાસ્સી અસર જોવા મળી હતી. એ ફિલ્મ પછી લોકો ૨, ૩, ૪ કાં તો પાંચ દિવસનાં લગ્નનાં ફંક્શન યોજવા માંડ્યા હતા. એથી એક પ્રકારે પારંપરિક અવસરની શરૂઆત થઈ ગઈ હતી.’