હૃતિક રોશન બન્યો 97.50 કરોડના બે સી-ફેસિંગ અપાર્ટમેન્ટનો માલિક
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ/હૃતિક રોશન ફૅન ક્લબ
બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન (Hrithik Roshan) માટે 2019નું વર્ષ સુપરહીટ સાબિત થયું હતું. કારણકે તેણે ‘વૉર’ અને ‘સુપર 30’ બે હીટ ફિલ્મો આપી હતી. વ્યક્તિગત મોરચે અભિનેતા માટે 2020નું વર્ષ ઉત્તમ હોય તેવું લાગે છે. તાજેતરમાં જ હૃતિક રોશને 97.50 કરોડ રૂપિયાની કિંમતના બે સી-ફેસિંગ અપાર્ટમેન્ટ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી એક પેન્ટહાઉસ હોવાના પણ સમાચાર છે.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, હૃતિક રોશને જુહૂ વર્સોવા લિંક રોડ સ્થિત મન્નત નામની બિલ્ડિંગમાં સી-ફેસિંગ અપાર્ટમેન્ટ 97.50 કરોડ રૂપિયામાં લીધા છે. આ બન્ને ફ્લેટ સમીર ભોજવાણી નામના બિલ્ડર પાસેથી ખરીદ્યા છે. સમીરે 6,500 સ્કેવર ફૂટનું ઓપન ટૂ ધ સ્કાય ટેરેસ, 10 પાર્કિંગ સ્લોટ તથા એક્સક્લુઝિવ લિફ્ટની ઓફર આપી હતી. થોડાં મહિના પહેલા જ રીતિકે આ ડીલ ફાઈનલ કરી હતી. અભિનેતાના બન્ને ફ્લેટ 15 તથા 16મા માળે છે. 15મા માળે રહેલો ફ્લેટ 27,534.85 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. હૃતિકે આ ફ્લેટ માટે 67.50 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે 16મા માળે રહેલો ફ્લેટ 11,165 સ્કેવરફૂટનો છે. આ ફ્લેટ હૃતિકને 30 કરોડમાં પડયો છે. હૃતિકે બન્ને ફ્લેટનું રજિસ્ટ્રેશન અલગ-અલગ કરાવ્યું છે. બન્ને માટે 1.95 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી છે. હાલમાં આ બિલ્ડિંગ બને છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, રોશન પરિવારે જૂન 2020માં જુહૂમાં અપાર્ટમેન્ટ ભાડે લીધું છે અને તેઓ દર મહિને 8.25 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. હૃતિક રોશનનો પોતાનો ફ્લેટ જુહૂમાં આવેલો છે. જે 3000 સ્કેવરફૂટ તથા ચાર બેડરૂમનો છે.

