કર્ણાટકના કાર્યકરો સામે હિંસામાં સામેલ થવાનો આરોપ નોંધાયો છે
‘પઠાન’ની રિલીઝ વિરુદ્ધ હિન્દુ ઍક્ટિવિસ્ટ્સે કર્ણાટકમાં કરી તોડફોડ
‘પઠાન’ની રિલીઝ વિરુદ્ધ ગઈ કાલે લગભગ ૩૦ હિન્દુ ઍક્ટિવિસ્ટ્સે કર્ણાટકના બેલગાવી થિયેટરમાં તોડફોડ કરી હતી. તેમણે ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પટનામાં પણ કેટલાક લોકોએ શાહરુખની આ ફિલ્મના પોસ્ટરને આગ ચાંપી હતી. કર્ણાટકના કાર્યકરો સામે હિંસામાં સામેલ થવાનો આરોપ નોંધાયો છે. હિન્દુ કાર્યકરોએ બેલગાવી થિયેટર પર હુમલો કરીને ફિલ્મનાં પોસ્ટર ફાડી નાખ્યાં હતાં એથી એ વિસ્તારમાં સલામતી-વ્યવસ્થા વધારવામાં આવી છે. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગે કર્ણાટક રાજ્ય રિઝર્વ પોલીસની ટીમને તહેનાત કરી છે. આ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને વિવાદ શરૂ થયો હતો. ફિલ્મનાં સ્ક્રીનિંગ અટકાવવાની માગણી કરતાં બેલગાવી વિસ્તારના વિધાનસભ્ય અભયા પાટીલે કહ્યું કે ‘લોકોની લાગણીને માન આપીને તેમણે ફિલ્મનું સ્ક્રીનિંગ બંધ કરવું જોઈએ. આવી ફિલ્મોની રિલીઝથી સમાજનું વાતાવરણ બગડે છે. આજે વિરોધ શરૂ થયો છે. આ ફિલ્મની રિલીઝનો મહિલાઓએ પણ વિરોધ કર્યો છે. ડિસ્ટ્રિબ્યુટર્સે એના શો અટકાવવા જોઈએ.’ લેહમાં ૧૧,૫૬૨ ફીટની ઊંચાઈએ આવેલા પિક્ચર ટાઇમ ડિજિપ્લેક્સમાં ‘પઠાન’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે.