તેનું કહેવું છે કે બૉલીવુડ કરતાં સાઉથની ઇન્ડસ્ટ્રી સારી છે. તેણે ૨૦૦૪માં આવેલી ‘ક્યૂં હો ગયા ના’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તેણે ‘સિંઘમ’માં પણ કામ કર્યું હતું
કાજલ અગરવાલ
કાજલ અગરવાલે હિન્દી સિનેમામાં નૈતિકતા, આદર્શો અને અનુશાસનનો અભાવ હોવાનું જણાવ્યું છે. તેનું કહેવું છે કે બૉલીવુડ કરતાં સાઉથની ઇન્ડસ્ટ્રી સારી છે. તેણે ૨૦૦૪માં આવેલી ‘ક્યૂં હો ગયા ના’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તેણે ‘સિંઘમ’માં પણ કામ કર્યું હતું. હાલમાં જ બૉલીવુડની નિંદા કરતાં કાજલ અગરવાલે કહ્યું કે ‘હિન્દી અમારી માતૃભાષા છે. અમે હિન્દી ફિલ્મો જોઈને મોટાં થયાં છીએ. એણે મારો સ્વીકાર કર્યો અને મારી સાથે ખૂબ ઉદાર રહી છે. જોકે હું સાઉથ ઇન્ડસ્ટ્રીની ઇકો-સિસ્ટમ, એની નૈતિકતા, આદર્શો અને અનુશાસનને પસંદ કરીશ. મને એવું લાગે છે કે એ વસ્તુનો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભાવ છે. સાઉથ ખરેખર સ્વીકાર્ય છે. જોકે મારું માનવું છે કે સખત મહેનત માટે કોઈ ડિસ્કાઉન્ટ નથી મળતું કે કોઈ શૉર્ટકટ્સ નથી. સાથે જ સફળતા મેળવવા માટે કોઈ સરળ રસ્તો પણ નથી. એવા અનેક લોકો છે જે હિન્દીમાં કરીઅર બનાવવા માગે છે, કારણ કે એ રાષ્ટ્રવ્યાપી જાણીતી ભાષા છે. હા, સાઉથ એના કરતાં વધુ ફ્રેન્ડ્લી છે. સાઉથમાં અદ્ભુત ટેક્નિશ્યન્સ, સારા ડિરેક્ટર્સ અને કન્ટેન્ટ છે જે તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડ ચારેય ભાષામાં બનાવવામાં આવે છે.’