ઉમરાહનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી હતી, ‘મને હજી પણ વિશ્વાસ નથી બેસતો કે મેં આ કર્યું છે
હિના ખાને ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
હિના ખાન હાલમાં તેની ફૅમિલી સાથે પહેલી વખત મક્કા ઉમરાહ કરવા ગઈ છે અને ત્યાંના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવાથી તેને ટ્રોલ કરવામાં આવી હતી. એને જોતાં તેણે હવે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શૅર કરીને ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો છે. લોકો હિના પર ઘણી કમેન્ટ કરવા માંડ્યા હતા. એને જોતાં હિનાએ પોતાનું કમેન્ટ-સેક્શન ઑફ કરવું પડ્યું હતું. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું, ‘આપ લોગ ઉમરાહ કરને જાતે હો યા ફોટોશૂટ કે લિએ.’
તો અન્ય સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘શરમ આવવી જોઈએ હિના તને. સેલિબ્રિટી હોવાથી તારી પણ કેટલીક જવાબદારી બને છે. આ અમારું પવિત્ર સ્થળ છે. એનું માન જાળવ.’
ADVERTISEMENT
અન્ય એકે લખ્યું કે ‘મૉલદીવ્ઝ, બાલી, લંડન, ન્યુ યૉર્ક, સ્વિટ્ઝરલૅન્ડ હવે ફૅશનેબલ નથી રહ્યાં. હવે લોકો ફોટોશૂટ માટે મક્કા, મદીના, વૈષ્ણોદેવી, સ્વર્ણ મંદિર જેવાં ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે.’
આ બધા ટ્રોલર્સને હિનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ઉમરાહનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી હતી, ‘મને હજી પણ વિશ્વાસ નથી બેસતો કે મેં આ કર્યું છે. તમને જણાવી દઉં કે હું જ્યારે ઘરેથી ત્રણ ઉમરાહ દોઢ દિવસમાં કરવાનું નક્કી કરીને મક્કા માટે નીકળી હતી, જે પ્રૅક્ટિકલી અને ફિઝિકલી શક્ય નથી. મારી ગણતરી ખોટી પડી. મને એ અહેસાસ પણ ન થયો કે રમઝાનના પાક મહિનામાં મારે પહેલાં મદીના અને ત્યાર બાદ મક્કા ઉમરાહ કરવું જોઈએ. મેં એનાથી ઊલટું કર્યું (જોકે એની કોઈ ફરિયાદ નથી). મેં મદીના શરીફમાં રોજા ખૂબ સારી રીતે કર્યા હતા. જોકે મને અંદરથી એ વાતનો વસવસો છે કે મારું એક ઉમરાહ રહી ગયું છે. ખાસ કરીને રમઝાનમાં ઉમરાહ કરવું એ પણ ત્યારે જ્યારે તમે મક્કા શરીફની ખૂબ નજીક હો. જોકે મને લાગે છે કે એમાં ઉપરવાળાની ઇચ્છા હશે અને હવે હું આવતા વર્ષે એ પૂરી કરીશ. આવતા વર્ષે રમઝાન દરમ્યાન ઉમરાહ કરવા આવીશ. ઘરે જવાની મારી ફ્લાઇટ પણ મદીનાથી છે અને મારી મમ્મી વ્હીલચૅર પર હોવાથી તેને કોઈ તકલીફ નથી આપવા માગતી. મને એ વાતનો જરા પણ અંદાજ નહોતો, પરંતુ ખુદાની કાંઈ અલગ જ મંજૂરી હશે. તેમણે ફરિશ્તા મોકલ્યા અને અમે રમઝાનમાં ઉમરાહ કરવા માટે થોડા કલાક માટે મક્કા જવાનો ફેંસલો કર્યો. હવે આને ખુદાનું ફરમાન ન કહું તો શું કહું. ઉપરવાળો મહાન છે. જો તમારો ઇરાદો નેક હોય તો તમારી ઇચ્છા ક્યારેય અધૂરી નથી રહેતી. હવે એ લોકો જે મારી ધાર્મિક પોસ્ટને લઈને મને લેફ્ટ, રાઇટ અને સેન્ટરમાં જજ કરી રહ્યા હતા તેમને એટલું કહેવા માગું છું કે હું કોઈ સંત નથી, પરંતુ સારી નિયત, દયા અને સારાં કર્મોમાં ભરોસો રાખું છું. બાકી બધાને પોતાનાં કર્મોનો જવાબ ઉપર આપવાનો છે. પ્રેમ ફેલાવો. તિસરા ઉમરાહ મુક્કમ્મલ.’