‘શ્રીનગરમાં આયોજિત G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગમાં જોડાવા મળ્યું એની આભારી છું. - હિના ખાન
હિના ખાન
શ્રીનગરમાં આયોજિત G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગમાં જોડાઈને હિના ખાન ગર્વ અનુભવી રહી છે. આ સમિટમાં તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. એ સમિટમાં તેણે સ્પીચ પણ આપી હતી. અગાઉ રામચરણે પણ આ સમિટમાં હાજરી આપી હતી. હિનાનો જન્મ અને ઉછેર કાશ્મીરમાં થયો છે. આ જ કારણ છે કે શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ તેને ખાસ આમંત્રણ આપ્યું હતું. આ સમિટમાં હિનાએ પોતાના બાળપણની યાદો વાગોળી હતી અને મનોરંજન જગત વિશે પણ અનેક વાતો કરી હતી. આ સમિટમાં હાજર અન્ય માન્યવરો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી હતી, ‘શ્રીનગરમાં આયોજિત G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગમાં જોડાવા મળ્યું એની આભારી છું. જમ્મુ-કાશ્મીર અને દેશના યુવાનોએ સકારાત્મક દિશામાં અને રચનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા તરફ આગેકૂચ કરી છે. નયા કાશ્મીરના વિકાસની સ્ટોરી અને કાશ્મીરના યુવાનોને પ્રેરણા આપવામાં યોગદાન આપવાનો મને ગર્વ છે. મને આ તક આપવા માટે શ્રીનગરના મેયરનો આભાર. ખરા અર્થમાં સિદ્ધિ મેળવનારાઓને સરકાર દ્વારા જે રીતે નવાજવામાં આવ્યા છે એ ખરેખર પ્રેરણાદાયી છે. આશા છે કે અનેક લોકોને યોગ્ય માર્ગની પસંદગી કરવા માટે પ્રેરિત કરતી રહું. આ સુંદર પહેલ માટે મેયર, તમારો ખૂબ આભાર.’