મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકનું અમેરિકામાં અવસાન, એક ઇન્ટરવ્યુમાં તેણે કહેલું...મિથુન સાથેનાં હેલેનાનાં લગ્ન માત્ર ચાર મહિના ટકેલાં : હેલેના મર્દમાં બ્રિટિશ ક્વીન બની હતી
મિથુન ચક્રવર્તી અને પહેલી પત્ની હેલેના લ્યુકની લગ્ન તસવીર
મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકનું અમેરિકામાં અવસાન થયું છે. હેલેનાનું અવસાન ત્રીજી નવેમ્બરે થયું હોવાના સમાચાર આવ્યા છે, પણ મૃત્યુનું કારણ બહાર નથી આવ્યું. અમિતાભ બચ્ચનની ૧૯૮૫ની ફિલ્મ ‘મર્દ’માં હેલેના બ્રિટિશ ક્વીનની ભૂમિકામાં જોવા મળી હતી. ‘મર્દ’ ઉપરાંત તેણે ‘દો ગુલાબ’, ‘આઓ પ્યાર કરેં’, ‘ભાઈ આખિર ભાઈ હોતા હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. મિથુન સાથે ૧૯૭૯માં થયેલાં તેનાં લગ્ન માત્ર ૪ મહિના ટક્યાં હતાં. ત્યાર બાદ તે અમેરિકા જતી રહી હતી અને ત્યાં ઍરલાઇન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. મિથુન ૧૯૭૯માં જ પછી યોગીતા બાલીને પરણ્યો હતો.
‘મર્દ’માં હેલેના લ્યુક
ADVERTISEMENT
અવસાનના કારણે ફરી ચર્ચામાં આવેલી હેલેનાનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે જેમાં તેણે મિથુન સાથેનાં લગ્નની વાતો કરી છે. એ ઇન્ટરવ્યુમાં હેલેના કહે છે, ‘કાશ એ લગ્ન થયાં જ ન હોત. તેણે મારું બ્રેઇનવૉશ કર્યું હતું કે તે મારા માટે યોગ્ય સાથી છે. તે દુનિયાનો સૌથી શ્રીમંત માણસ હોય તો પણ હું તેની પાસે પાછી ન જાઉં. મેં ડિવૉર્સ પછી તેની પાસેથી ભરણપોષણ પણ નહોતું માગ્યું. મારા માટે તો એ લગ્ન દુ:સ્વપ્ન સમાન હતાં. તેણે જ્યારે મને કહેલું કે તે મને પ્રેમ કરે છે ત્યારે મેં ખરેખર સાચું માનેલું, પણ જ્યારે હું તેને બરાબર ઓળખતી થઈ ત્યારે સમજાયું કે તે માત્ર પોતાને જ પ્રેમ કરતો હતો. તે એકદમ નાસમજ હતો અને હું તેના કરતાં ઘણી નાની હોવા છતાં તેની સાથે મને એવું લાગતું હતું કે હું મોટી છું. તે એકદમ પઝેસિવ હતો અને મારા પર આક્ષેપ કરતો કે હું હજી મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડને મળું છું. હું એવું નથી કરતી એવું તેને સમજાવવામાં મારા નાકે દમ આવી જતો, પણ તેનો શંકાશીલ સ્વભાવ બદલાતો નહોતો. પછી મને સમજાયું કે આ તેનો ગિલ્ટ-કૉમ્પ્લેક્સ હતો, કારણ કે હકીકતમાં તે મારી જાણ બહાર છાનગપતિયાં કરતો હતો અને તેને એવું લાગતું હતું કે હું પણ આવું કરતી હોઈશ.’