કમાલ આર. ખાન સલમાન વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ઘણા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો
સલમાન ખાન, કમાલ ખાન
કમાલ આર. ખાનની દલીલને લઈને હાઈ કોર્ટે સલમાન ખાનનો જવાબ માગ્યો છે. કમાલ આર. ખાન સલમાન વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ઘણા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો. તેણે તેની ફિલ્મો અને એનજીઓ ‘બીઇંગ હ્યુમન’ને લઈને પણ ઘણા ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આથી સલમાન ખાને કોર્ટમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે કમાલ ખાનને તેની ફિલ્મ અને તેની પર્સનલ લાઇફ વિશે કમેન્ટ કરતો અટકાવવામાં આવે. આ વિશે કમાલ ખાને દલીલ કરી હતી કે એક દર્શકને ફિલ્મ વિશે અથવા તો એના પાત્ર વિશે કમેન્ટ કરતાં ન અટકાવી શકાય. તેનું કહેવું છે કે જો તેને આમ કરતાં અટકાવવામાં આવ્યો તો તે ફિલ્મના રિવ્યુને ન્યાય નહીં આપી શકે. સલમાને તેના વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આથી કમાલ આર. ખાને તેના વકીલ મનોજ ગડકરી દ્વારા હાઈ કોર્ટમાં દલીલ કરી છે. આ માટે હવે હાઈ કોર્ટે સલમાનનો જવાબ માગ્યો છે. બે અઠવાડિયાં બાદ તેમની પ્લીને સાંભળવામાં આવશે.

