Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > HBD Jagjit Singh : ગુજરાતી ફિલ્મમાં હીરોની ભૂમિકા ઑફર થઈ હતી ‘ગઝલ સમ્રાટ’ને

HBD Jagjit Singh : ગુજરાતી ફિલ્મમાં હીરોની ભૂમિકા ઑફર થઈ હતી ‘ગઝલ સમ્રાટ’ને

Published : 08 February, 2022 02:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અંગત જીવનનું દર્દ જગજીત સિંહના ગીત અને ગઝલમાં છલકાતું હતું

જગજીત સિંહ ફાઇલ તસવીર

જગજીત સિંહ ફાઇલ તસવીર


‘ગઝલ સમ્રાટ’ જગજીત સિંહ (Jagjit Singh)ની આજે ૮૧મી જન્મજયંતિ છે. તેમણે પોતાના અવાજથી સંગીત પ્રેમીઓની આખી પેઢીને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરી છે. ‘હોંઠો સે છૂ લો તુમ’, ‘કાગઝ કી કશ્તી’ અને ‘મેરી જીંદગી કિસી ઔર કી મેરે નામ કા કોઈ ઔર હૈ’ જેવા તેમના ગીતો સદાબહાર છે. ૧૫૦થી વધુ આલ્બમમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર જગજીત સિંહ ભલે હવે દુનિયામાં નથી પરંતુ તેમના ગીતો દ્વારા તે હંમેશા આપણી વચ્ચે હાજર છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો.


એન્જિનિયર બનવા માટેનું હતું દબાણ



જગજીત સિંહનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૪૧ના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં થયો હતો. જગજીત સિંહને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેમણે સંગીતનું શિક્ષણ ઉસ્તાદ જમાલ ખાન અને પંડિત છગનલાલ શર્મા પાસેથી મેળવ્યું હતું. પ્રારંભિક શિક્ષણ પછી, તેઓ અભ્યાસ માટે જલંધર ગયા હતા.


જગજીત સિંહના પિતાએ ખૂબ જ નાની ઉંમરે તેમની પ્રતિભાને ઓળખી લીધી હતી, તેમ છતાં તેમણે જગજીત સિંહને એન્જિનિયરિંગ કરવા માટે રાજી કર્યા હતા. બાદમાં પિતાએ તેમને યુપીએસસીની પરીક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો. જોકે, તેમણે ડીએવી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને પછી કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં એમએ કરવાનું શરૂ કર્યું, પરંતુ લગભગ બે વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી પણ તેઓ ક્યારેય આ કોર્સ પૂરો કરી શક્યા નહીં.

લગ્રન પ્રસંગ અને પાર્ટીઓમાં ગાતા હતા ગીત


જગજીત સિંહ વર્ષ ૧૯૬૫માં સિંગિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યા હતા. ઘરના કોઈપણ સભ્યને જાણ કર્યા વગર જ તેઓ મુંબઈ આવી ગયા હતા. શરૂઆતના દિવસોમાં તેમની પાસે મુંબઈમાં રહેવા અને ખાવા માટે પૈસા નહોતા. તેથી તેઓ મજબૂરીમાં ઘર ચલાવવા માટે લગ્નમાં ગીતો ગાતા હતા. તેમણે જિંગલ્સ કંપોઝ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવ્યો હતો. તેમણે ડબિંગ આર્ટિસ્ટ તરીકે કામ શોધવાની કોશિશ પણ કરી પરંતુ નસીબે તેમનો સાથ નહોતો આપ્યો. મોહમ્મદ રફી તેમના આદર્શ હતા અને તેઓ જલંધરમાં ઓલ ઈન્ડિયા રેડિયો પર રફીના ગીતો ગાતા હતા.

ગુજરાતી ફિલ્મમાં હીરોની ભૂમિકા ઓફર થઇ હતી

સંઘર્ષના દિવસો દરમિયાન, જગજીત સિંહને અભિનય દ્વારા મનોરંજન ક્ષેત્ર સાથે જોડાવાની પ્રથમ તક મળી હતી. તેમને એક ગુજરાતી ફિલ્મમાં હીરોની ભૂમિકા ઑફર કરવામાં આવી હતી. જોકે, જગજીત સિંહે નમ્રતાપૂર્વક ઑફર નકારી કાઢી હતી કારણ કે તેઓ ગાયકીમાં જ આગળ વધવા માંગતા હતા. પરંતુ તેમણે આ ફિલ્મમાં એક ભજન ગાયુ હતું.

અવાજથી પ્રભાવિત થઈ હતી ચિત્રા

જગજીત સિંહની ગઝલો જેટલી પ્રસિદ્ધ હતી એટલી જ લવ લાઈફ પણ ઉથલપાથલથી ભરેલી હતી. ચિત્રા સિંહ જગજીત સિંહના જીવનમાં તેમની પત્ની તરીકે આવી હતી. જ્યારે બંને પહેલીવાર મળ્યા ત્યારે ચિત્રા પહેલેથી જ પરણેલી હતી. ચિત્રા મુંબઈમાં જ્યાં રહેતી હતી ત્યાં જગજીત સિંહ અવારનવાર અવાતા હતા. અહીં તે પોતાના ગીતો રેકોર્ડ કરતા હતા. એક દિવસ ચિત્રાને સામેથી અવાજ સંભળાયો અને આ અંગે તેણે પાડોશીને પૂછયું હતું. પાડોશીએ જગજીતનું રેકોર્ડિંગ સાંભળ્યું અને થોડા સમય પછી ચિત્રાએ તેમનું ગાયન સાંભળ્યું અને કહ્યું કે તે પણ ગાયક છે. પરંતુ બાદમાં બંને એકબીજાના એટલા પ્રેમમાં પડ્યા કે ચિત્રા તેના પહેલા પતિથી અલગ થઈ ગઈ અને વર્ષ ૧૯૬૯માં ‘ગઝલ સમ્રાટ’ સાથે લગ્ન કરી લીધા હતા.

વર્ષ ૧૯૭૬માં જગજીત સિંહ અને ચિત્રા સિંહે તેમનું આલ્બમ `ધ અનફર્ગેટેબલ` બહાર પાડ્યું, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ આલ્બમના ગીતોએ જગજીત સિંહ અને ચિત્રા સિંહને સ્ટાર બનાવી દીધા. આ પછી જગજીત સિંહ અને ચિત્રા સિંહ સાથે કોન્સર્ટ કરવા લાગ્યા. વર્ષ ૧૯૮૦ સુધીમાં જગજીત સિંહ ‘ગઝલ સમ્રાટ’ બની ગયા હતા. ‘અર્થ’, ‘પ્રેમગીત’, ‘લીલા’, ‘સરફરોશ’, ‘તુમ બિન’, ‘વીર ઝારા’, ‘જીસ્મ’ અને ‘જોગર્સ પાર્ક’ એ ફિલ્મો છે જેમાં તેણે પોતાનો અવાજ આપ્યો છે.

દીકરાના મૃત્યુનો લાગ્યો જબરજસ્ત ઝટકો

વર્ષ ૧૯૮૦માં જગજીત સિંહના પુત્ર વિવેકનું માત્ર ૧૮ વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સાંજે તેઓ એક મહેફિલમાં ગઝલ ગાતા હતા. મહેફિલ તેના અંતિમ તબક્કામાં હતી જ્યારે અભિનેત્રી અંજુ મહેન્દ્રુએ જગજીત સિંહને `દર્દ સે મેરા દમન ભર દે` ગઝલ સંભળાવવા વિનંતી કરી હતી. આ ગઝલ ગાતી વખતે તેઓ રડી પડ્યા હતા. ગઝલ પૂરી થયા પછી તેમને પુત્રના અકસ્માતના સમાચાર મળ્યા. જગજિત અને ચિત્રાને યુવાન પુત્રના મૃત્યુનો આઘાત એટલો લાગ્યો હતો કે જગજીત સિંહે આગામી આઠ મહિના સુધી મૌન સેવ્યું હતું અને ચિત્રાએ ગાવાનું જ છોડી દીધું. જગજીત સિંહ જ્યારે ગઝલ ગાયકીની દુનિયામાં પાછા ફર્યા ત્યારે તેમના અવાજમાં કોઈને ગુમાવવાનું દર્દ અનેકગણું વધી ગયું હતું.

૭૦માં જન્મદિવસે ૭૦ કોનર્સ્ટનો કોન્ટ્રેક લીધો હતો

વર્ષ ૨૦૧૧માં જગજીત સિંહે ૭૦ વર્ષ પૂર્ણ કર્યા હતા. ૭૦માં જન્મદિવસની ઉજવણી માટે તેમણે ૭૦ કોનર્સ્ટનો કોન્ટ્રેક સાઈન કર્યો હતો. યુકે, સિંગાપોર અને મોરેશિયસમાં પરફોર્મ કર્યા પછી, તે ગુલામ અલી સાથે મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. પરંતુ તે પહેલાં જ તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું.

મૃત્યુ બાદ ટપાલ ટિકિટ બહાર પડી હતી

વર્ષ ૨૦૧૧માં ગઝલ સમ્રાટ જગજીત સિંહને બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં બે અઠવાડિયા સુધી કોમામાં રહ્યા બાદ ૧૦ ઓક્ટોબરે ગઝલ કિંગનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી વર્ષ ૨૦૧૪માં ભારત સરકારે જગજીત સિંહના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK