ઍક્ટર હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ ત્યારે ખાસ સફળ નહોતી થઈ, પણ રીરિલીઝમાં એને સારી એવી સક્સેસ મળી છે
હર્ષવર્ધન રાણ
ઍક્ટર હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની ૨૦૧૬માં રિલીઝ થયેલી રૉમેન્ટિક ફિલ્મ ‘સનમ તેરી કસમ’ હાલમાં રીરિલીઝ થઈ છે અને એને બહુ સારી સફળતા મળી છે. આ ફિલ્મની સક્સેસ પછી હર્ષવર્ધન બહુ ઉત્સાહમાં છે અને ઇચ્છે છે કે ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં આવે. હર્ષવર્ધને આ ફિલ્મની સીક્વલ બને એવી પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે પ્રોડ્યુસર સીક્વલ માટે રાજી થાય એ માટે હું ૧૧ દિવસ માત્ર પાણી પીને ઉપવાસ કરવાનો છું.
હર્ષવર્ધને સોશ્યલ મીડિયામાં આ ફિલ્મની સીક્વલ બનવી જોઈએ એવી ઇચ્છા વ્યક્ત કરી છે. ‘સનમ તેરી કસમ’ની રીરિલીઝ પછી પ્રેક્ષકો થિયેટરમાં એની ભરપૂર મજા માણી રહ્યા હોય એવી ક્લિપ શૅર કરીને હર્ષવર્ધને લખ્યું છે કે ‘આ ફિલ્મની રીરિલીઝ માટે મેં પ્રોડ્યુસરની ઑફિસનાં ચક્કર માર્યાં હતાં અને હવે મારું નેક્સ્ટ પગલું તેઓ આ ફિલ્મની સીક્વલ બનાવવા તૈયાર થાય એ માટે ૧૧ દિવસ સુધી માત્ર પાણી પીને ઉપવાસ કરવાનું છે. આ ફિલ્મ માટે ૯ વર્ષ પહેલાં પ્રોડ્યુસરે લોહીપાણી એક કર્યાં, ડિરેક્ટરે પરસેવો પાડ્યો, માવરાએ તેનો આત્મા રેડી દીધો અને હવે દર્શકો આંસુથી એનું અભિવાદન કરે છે. હું બીજા પાર્ટ માટે જીવન આપવા તૈયાર છું, તમારા સમ.’
ADVERTISEMENT
૧૪ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘સનમ તેરી કસમ’ ૨૦૧૬માં રિલીઝ થઈ ત્યારે ખાસ સફળ નહોતી થઈ અને એણે માત્ર ૯.૧ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાને કારણે એને ફ્લૉપ જાહેર કરવામાં આવી હતી. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રીરિલીઝ થઈ હતી અને એણે ચાર દિવસમાં ૧૮.૫૦ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી છે. આ કમાણી એણે ૨૦૧૬માં એની રિલીઝ વખતે કરેલી કમાણી કરતાં બમણી છે.

