ડિપ્રેશનને બીમારી તરીકે સ્વીકારશો તો તમારી ઍટિટ્યૂડ બદલાશે:ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયાનું કહેવું છે કે ડિપ્રેશનનો ઉપયોગ એક્સપ્રેશન કે અઅભિવ્યક્તિ તરીકે પણ થાય છે. ડિપ્રેશનને લોકો મગજની એક અવસ્થા પણ ગણે છે. એ વિશે ગુલશને કહ્યું હતું કે ‘ડિપ્રેશનને એક બીમારી તરીકે સ્વીકારવામાં લોકો માનતા નથી, કારણ કે તેમના મુજબ ડિપ્રેશન દિમાગની અવસ્થા છે અથવા તો એક લાગણી છે. ઉદાહરણ તરીકે જો હું કોઈ છોકરીને પ્રપોઝ કરું અને તે મને ના પાડે તો હું કહીશ કે હું ડિપ્રેસ થયો છું અને મારા ડિપ્રેશનને દિમાગની અવસ્થા માનવામાં આવશે. ડિપ્રેશનનો તો કોઈ વસ્તુને વ્યક્ત કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જોકે જો તમારું કોઈ મેન્ટલ હેલ્થ પ્રૅક્ટિશનર કે પછી સર્ટિફાઇડ ડૉક્ટર એનું નિદાન કરે તો એને બીમારી કહી શકાય. એની અન્ય બીમારીઓ જેવી કે કૅન્સરની જેમ સારવાર કરવી જોઈએ. એને કદાચ દવા અથવા તો દવા વગર પણ ઠીક કરી શકાય છે. એવા અનેક લોકો છે જે ડિપ્રેશનની ભારે દવાઓ અથવા તો ટ્રીટમેન્ટ લે છે. પહેલી વાત તો એ કે તમારે એને એક બીમારી તરીકે સ્વીકારવું જોઈએ. એનાથી તમારું વર્તન બદલાશે. હું આ વાત એટલે કહી રહ્યો છું, કારણ કે એક ફ્રેન્ડ ડિપ્રેસ્ડ થતાં તેને એક મેન્ટલ ઇન્સ્ટિટ્યુશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોઈ ફિલોસૉફી તેનામાં પરિવર્તન ન લાવી, કારણ કે એ તો એક બીમારી છે.’

