યશવર્ધને કહ્યું કે મારા પિતાએ મને કહ્યું છે કે ક્યારેય ફિલ્મમાં ગાળ ન બોલતો
ગોવિંદા, યશવર્ધન, રણબીર કપૂર
ગોવિંદાની ગણતરી બૉલીવુડના સફળ કલાકારોમાં થાય છે. તેમણે પોતાની કરીઅરમાં અનેક સફળ ફિલ્મો આપી છે. ગોવિંદાની દીકરી ટીનાએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું છે પણ તેને ખાસ સફળતા નથી મળી. હવે ગોવિંદાનો દીકરો યશવર્ધન આહુજા બૉલીવુડમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે બૉલીવુડમાં યોગ્ય રીતે એન્ટ્રી લેવા માટે શું કરવું જોઈએ એ માટે મને રણબીર કપૂરે બહુ મહત્ત્વની સલાહ આપી હતી.
યશવર્ધને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘મેં જ્યારે બૉલીવુડમાં કામ કરવાનું નક્કી કર્યું ત્યારે રણબીર કપૂરે મને પહેલાં વિદેશ જઈને ફિલ્મમેકિંગ શીખવાની સલાહ આપી હતી. રણબીરે મને કહ્યું હતું કે જો મારે ઍક્ટિંગને સારી રીતે સમજવી હશે તો બૉલીવુડના કૂવામાંથી બહાર નીકળવું પડશે. આ રીતે રણબીરે મને મારી જ પસંદગી, નાપસંદગી તેમ જ ઓળખને સમજવામાં બહુ સારી રીતે મદદ કરી છે. પછી હું એક વર્ષ સુધી લંડનની એક ઍક્ટિંગ સ્કૂલમાં ભણવા ગયો હતો. હું આજે પણ મુંબઈમાં ઍક્ટિંગ વર્કશૉપમાં ભાગ લઉં છું.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં યશવર્ધને પિતા ગોવિંદાએ આપેલી એક સલાહ વિશે પણ વાત કરી છે. યશવર્ધને કહ્યું કે મારા પિતાએ મને કહ્યું હતું કે બૉલીવુડમાં જગ્યા બનાવવા માટે આકરી મહેનત કરજે અને ફિલ્મમાં ક્યારેય ગાળ ન બોલતો.

