બૉલીવુડમાં ચાલતા સગાવાદ બાબતે આખરે ગોવિંદાએ તોડયું મૌન
ગોવિંદા (ફાઈલ તસવીર)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ જોર પકડયું છે. અહીં રોજ નવી નવી દલીલો થઈ રહી છે. દરરોજ એક નવું સેલેબ્ઝ આ દલીલોમાં જોડાય છે. તાજેતરમાં જ અભિનેતા ગોવિંદા (Govinda)એ બૉલીવુડમાં ચાલતા સગાવાદ બાબતે મૌન તોડયું છે અને કહ્યું છે કે, ઈન્ડસ્ટ્રીમાં કૅમ્પની વાતને નકારી ન શકાય.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે, મારા માતા-પિતા નિર્મલા દેવી અને અરુણ કુમાર આહુજા ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાંય મને અહીંયા જગ્યા બનાવવા માટે કેટલી મહેનત કરવી પડી હતી. ઈન્ડસ્ટ્રીમાં કૅમ્પબાજીને નકારી શકાય નહીં. પહેલાં જેનામાં ટેલેન્ટ હોય તેને તક મળતી હતી. દરેક ફિલ્મને થિયેટરમાં સમાન તક મળતી હતી. જોકે, હવે તો માત્ર ચારથી પાંચ લોકો જ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ ચલાવે છે. આ લોકો જ નક્કી કરે છે કે, જે વ્યક્તિ તેમની નિકટ નથી તેની ફિલ્મને રિલીઝ કરવામાં ના આવે. મારી પણ ઘણી ફિલ્મને યોગ્ય રીતે રિલીઝ કરવાની તક મળી નહોતી.
ADVERTISEMENT
વધુમાં ગોવિંદાએ કહ્યું હતું કે, મેં 21 વર્ષે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી હતી. મારા પેરેન્ટ્સે બહુ પહેલાં જ આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે અનેક લોકોને ખ્યાલ નહોતો કે મારા પેરેન્ટ્સ કોણ હતાં અને મારું બેકગ્રાઉન્ડ શું હતું. પ્રોડ્યૂસર્સને જ્યારે મળવા જતો ત્યારે ઓફિસની બહાર કલાકો સુધી રાહ જોતો હતો. મને મારી કારર્કિદીની શરૂઆતમાં સફળતા મળી હતી. પરંતુ અનેક લોકોએ એમ કહ્યું હતું કે હું વધારે સમય સુધી નહીં ટકી શકું. લોકોએ મારા મોઢા પર આ બધુ કહ્યું હતું. પરંતુ મને ખ્યાલ હતો કે રાજ કપૂરજી, અમિતાભ બચ્ચનજી, વિનોદ ખન્નાજી તથા રાજેશ ખન્નાજી પણ આ સમયમાંથી પસાર થઈ ચૂક્યા હતા. ઈન્ડસ્ટ્રીમાં તમારી પાસે યોગ્ય દૃષ્ટિકોણ હોય તે જરૂરી છે. તમે કઠોર પરિશ્રમ કરો અથવા તો લોકો શું બોલી રહ્યાં છે તેની પર ધ્યાન આપો.
રાજકારણમાં પ્રવેશ વિશે ગોવિંદાએ કહ્યું હતું કે, જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે પણ લોકોએ એમ કહ્યું હતું કે આ નિર્ણય મારા અંદરના અભિનેતાની વિરુદ્ધમાં સાબિત થશે પરંતુ આ વાત સાબિત થઈ નહીં. રાજકારણમાં આવ્યા બાદ પણ મારી ફિલ્મ હિટ ગઈ હતી
દીકરી નર્મચા વિશે ગોવિંદાએ કહ્યું હતું કે, મેં ક્યારેય પણ મારી દીકરી નર્મદાને લઈને બહુ વાતો નથી કરી. જો મેં વાત કરી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. તે જાતે જ પોતાનો રસ્તો બનાવી રહી છે. સમય આવશે ત્યારે તેને પણ સફળતા મળશે.

