અનુરાગ કશ્યપને એ વાતની ખુશી છે કે સની દેઓલની ‘ગદર 2’ અને અક્ષયકુમારની ‘OMG 2’ને લઈને નફરતભર્યું વાતાવરણ નથી ફેલાયું. અલગ વિષય પર બનેલી આ બન્ને ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડી રહી છે
ફાઇલ તસવીર
અનુરાગ કશ્યપને એ વાતની ખુશી છે કે સની દેઓલની ‘ગદર 2’ અને અક્ષયકુમારની ‘OMG 2’ને લઈને નફરતભર્યું વાતાવરણ નથી ફેલાયું. અલગ વિષય પર બનેલી આ બન્ને ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડી રહી છે. અનિલ શર્માએ બનાવેલી ‘ગદર 2’માં સની દેઓલ સાથે અમીષા પટેલ લીડ રોલમાં છે. ‘ગદર 2’ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘મેલબર્નમાં મને ‘ઘુમર’ જોવાની તક મળી હતી. જોકે બિઝી હોવાથી મેં ‘ગદર 2’, ‘OMG 2’ અને ‘ડ્રીમ ગર્લ 2’ નથી જોઈ. હું સમય કાઢીને એ ફિલ્મો જોવા જઈશ. મને એવું લાગે છે કે ‘ગદર 2’ માટે ‘ગદર’ ગ્રેટ માર્કેટિંગ કામ કરી ગઈ. સાથે જ લોકોનાં દિલમાં ‘ગદર’ ખાસ સ્થાન ધરાવે છે. મને લાગે છે કે લોકો એ પણ ભૂલી ગયા છે કે ‘લગાન’ અને ‘દિલ ચાહતા હૈ’ સાથે ‘ગદર’ રિલીઝ થઈ હતી. એ બન્ને ફિલ્મોનો સાથે મળીને જેટલો બિઝનેસ થયો હતો એનાથી ડબલ એકલી ‘ગદર’ ફિલ્મે કર્યો હતો. મને લાગે છે કે માર્કેટિંગે ‘ગદર’ની યાદ તાજી કરી દીધી હતી. ‘ગદર 2’નું આખું માર્કેટિંગ ‘ગદર’ હતું.’
ફિલ્મોને લઈને કોઈ ઘૃણા નિર્માણ નથી થઈ એ વાતની ખુશી વ્યક્ત કરતાં અનુરાગ કશ્યપે કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે ‘ગદર 2’ અને ‘OMG 2’ના ફિલ્મમેકર્સે એનો ઉપયોગ સમાજને બે ભાગમાં વહેંચવામાં નથી કર્યો અને ન તો તેમની વચ્ચે કોઈ મતભેદ ઊભો કર્યો. આવું અનેક ફિલ્મો સાથે થાય છે. આ એક જવાબદાર મેઇનસ્ટ્રીમ ફિલ્મમેકિંગ હતી. એણે કોઈ પણ પ્રકારની ગરબડ કે નાહકની દુશ્મની કે નફરત નથી ફેલાવી.’