હાલમાં તો ‘પઠાન’ને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ફિલ્મની રિલીઝને અટકાવવાની પણ કેટલીક સંસ્થાઓએ ધમકી આપી છે
ફાઇલ તસવીર
FWICE એટલે કે ધ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉયીઝે ‘બૉયકૉટ બૉલીવુડ’ કૅમ્પેન વિરુદ્ધ સરકારને યોગ્ય પગલાં લેવાની વિનંતી કરી છે. સાથે જ ઍક્ટર્સને સોશ્યલ મીડિયા પર અપશબ્દો અને તેમને માટે ખરાબ ભાષા વાપરવામાં આવે છે એ વિશે પણ ધ્યાન દોરવા કહ્યું છે. હાલમાં તો ‘પઠાન’ને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ફિલ્મની રિલીઝને અટકાવવાની પણ કેટલીક સંસ્થાઓએ ધમકી આપી છે. આ બધી બાબતોને લઈને એક પ્રેસ-રિલીઝ ટ્વિટર પર ધ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉયીઝે શૅર કરી છે. એમાં લખ્યું છે કે ‘હાલમાં જે ‘બૉયકૉટ બૉલીવુડ’નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને કારણે ફિલ્મોના પ્રોડ્યુસર્સ અને લાખો કર્મચારીઓ પર માઠી અસર પડે છે. એથી ધ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉયીઝે આ બાબતને ગંભીરતાથી લીધી અને રોજનું કમાઈને ખાનારા કર્મચારીઓ, ટેક્નિશ્યન્સ અને કલાકારો જેમણે આ ઇન્ડસ્ટ્રી પર જ આધાર રાખવો પડે છે તેમના જીવનનિર્વાહનો પ્રશ્ન ઊભો થયો છે. એક ફિલ્મને ખૂબ જ લગાવ અને સફળતાની આશાએ બનાવવામાં આવે છે. જોકે આવા ટ્રેન્ડને કારણે આ સપના પર પાણી ફરી વળે છે. પ્રોડ્યુસર્સ અને ઍક્ટર્સ-ઍક્ટ્રેસિસને પણ ધમકાવવામાં આવે છે. તેઓ સોશ્યલ મીડિયામાં તેમને માટે અપશબ્દો અને ઊતરતી કક્ષાની ભાષાનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ. ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવે છે એ જ પોતાનામાં મોટી બાબત છે. ફિલ્મમેકર્સ સર્ટિફિકેટની પ્રક્રિયામાંથી પસાર થાય છે. વિરોધ કરનારાઓએ યોગ્ય માર્ગ અપનાવીને અને આંખ બંધ કરીને આખી ઇન્ડસ્ટ્રીની છબિ ખરાબ કરવા માટે બૉયકૉટનો ટ્રેન્ડ ચલાવવા કરતાં પોતાની નિરાશા સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન સામે વ્યક્ત કરવી જોઈએ. અમે પ્રોડ્યુસર્સને સપોર્ટ કરીએ છીએ જેઓ ફિલ્મ બનાવીને લાખો લોકોને સ્વમાનભેર જીવવા માટે રોજગાર પૂરો પાડે છે. ‘બૉયકૉટ બૉલીવુડ’ના ટ્રેન્ડને અટકાવવા માટે સરકાર કોઈ પગલાં લે એવી અમારી વિનંતી છે.’