અનુભવ સિંહા અને કેતન મહેતા મળીને બનાવી રહ્યા છે આ ફિલ્મ
ઉષા મહેતા
અનુભવ સિંહા અને કેતન મહેતાએ હવે ફ્રીડમ ફાઇટર ઉષા મહેતાની બાયોપિક બનાવવાનું નક્કી કર્યું છે. કેતન મહેતા માટે આ અત્યાર સુધીનો સૌથી પર્સનલ પ્રોજેક્ટ છે, કારણ કે ઉષા મહેતા તેમનાં આન્ટી હતાં. ‘સરદાર’, ‘ભવની ભવાઈ’,‘મિર્ચ મસાલા’, ‘મંગલ પાન્ડે’ અને ‘માંઝી-ધ માઉન્ટન મૅન’ જેવી ફિલ્મો બનાવનાર કેતન મહેતા માટે આ સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. આ વિશે વાત કરતાં કેતન મહેતાએ કહ્યું કે ‘આ ફિલ્મ આઝાદી વિશે છે. આઝાદી પહેલાંની આ સ્ટોરી છે. આ ફિલ્મમાં ભુલાઈ ગયેલા આઝાદીના એક મહત્ત્વના પહેલુ ‘ભારત છોડો આંદોલન’ની વાત કરવામાં આવશે. ૧૯૪૨માં આઝાદીની લડાઈના છેલ્લા ચૅપ્ટરની મહાત્મા ગાંધીએ ‘ભારત છોડો આંદોલન’ની જાહેરાત કરી ત્યારે બ્રિટિશ સરકારે ટોચના દરેક નેતાની અરેસ્ટ કરી લીધી હતી. આ નેતાઓમાં ગાંધીજી, સરદાર પટેલ, અબ્દુલ કલામ આઝાદ અને જવાહરલાલ નેહરુને રાતોરાત અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ આંદોલન લીડર વગરનું બની ગયું હતું. દરેક ન્યુઝને બ્લૉક કરવામાં અને સેન્સર કરવામાં આવતા હતા. દરેક પ્રોટેસ્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એ સમયે ઇન્ડિયાના યુવા આગળ આવ્યા હતા અને તેમણે ચાર્જ હાથમાં લીધો હતો અને આ લડાઈને આગળ વધારી હતી. ૨૨ વર્ષનાં ઉષા મહેતાએ તેના સાથી સ્ટુડન્ટ્સની ટીમ બનાવી હતી અને બ્રિટિશરોને ટક્કર આપી હતી. તેમણે એક સીક્રેટ અન્ડરગ્રાઉન્ડ રેડિયો તૈયાર કર્યો હતો. ઇન્ડિયાના લોકોને આઝાદીના સાચા ન્યુઝ મળે એ માટે તેમણે પર્સનલ રિસ્ક લઈને પણ આ કાર્ય ચાલુ રાખ્યું હતું. આ સ્ટોરીને ડેવલપ કરવાની મને ખૂબ જ મજા આવી હતી. તેમની પર્સનલ ડાયરીઓ અને મારી પોતાની મેમરીઝને ફરી જીવવી મારા માટે ખૂબ જ મહત્ત્વનું હતું.’
આ વિશે વાત કરતાં અનુભવ સિંહાએ કહ્યું કે ‘કેતન મહેતા સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવું એક લહાવો છે. ઉષા મહેતાની હિમ્મત જોઈને હું અવાચક રહી ગયો હતો. આજના સમયે તેમના જેવી દેશભક્તિની આપણને જરૂર છે.’