સનોજ પર આરોપ છે કે તેણે ઝાંસીની એક યુવતીને ફિલ્મમાં કામ આપવાની લાલચે શારીરિક શોષણ કર્યું અને ધમકી આપી ચૂપ રહેવા કહ્યું હતું.
સનોજ મિશ્રા, પ્રયાગરાજના મહાકુંભના મેળામાં માળા વેચતી વખતે વાઇરલ થયેલી મોનાલિસા
પ્રયાગરાજના મહાકુંભના મેળામાં માળા વેચતી વખતે વાઇરલ થયેલી મોનાલિસાને ફિલ્મ ઑફર કરનાર ડિરેક્ટર સનોજ મિશ્રાની સોમવારે દિલ્હી પોલીસે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી હતી. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા જામીન અરજી રદ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સનોજ પર આરોપ છે કે તેણે ઝાંસીની એક યુવતીને ફિલ્મમાં કામ આપવાની લાલચે શારીરિક શોષણ કર્યું અને ધમકી આપી ચૂપ રહેવા કહ્યું હતું.
પીડિતાનો આરોપ છે કે ૨૦૨૦માં ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની મુલાકાત સનોજ સાથે થઈ હતી. થોડા સમય સુધી ચૅટના માધ્યમે વાતચીત થયા બાદ ૨૦૨૧ની ૧૭ જૂને સનોજે ફોન કરી પીડિતાને કહ્યું હતું કે હું ઝાંસી રેલવે-સ્ટેશન પહોંચી ગયો છું. સામાજિક દબાણના કારણે પહેલાં પીડિતાએ મળવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સનોજે આત્મહત્યાની ધમકી આપતાં તે ડરીને મળવા ગઈ હતી. બીજા દિવસે સનોજે ફરી આત્મહત્યાની ધમકી આપીને રેલવે-સ્ટેશન બોલાવી અને ત્યાંથી રિસૉર્ટમાં લઈ જઈ નશીલો પદાર્થ ખવડાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે ત્રણ વાર જબરદસ્તી ગર્ભપાત પણ કરાવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૫માં સનોજે તેને છોડી દીધી હતી અને ધમકી આપી હતી કે જો ફરિયાદ કરી તો તેની અશ્લીલ તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેશે.
ADVERTISEMENT
દિલ્હી પોલીસે પીડિતાની ફરિયાદના આધારે સનોજ મિશ્રા સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી હતી. સનોજે જામીન માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી રદ કરી દીધી હતી.

