અક્ષયકુમારને તેની ફિલ્મોને લઈને તેના નજીકના લોકો કટાક્ષ કરતા હતા. તેણે જણાવ્યું કે તે જ્યારે ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ બનાવી રહ્યો હતો ત્યારે લોકો તેને પાગલ કહેતા હતા.
અક્ષયકુમાર
અક્ષયકુમારને તેની ફિલ્મોને લઈને તેના નજીકના લોકો કટાક્ષ કરતા હતા. તેણે જણાવ્યું કે તે જ્યારે ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ બનાવી રહ્યો હતો ત્યારે લોકો તેને પાગલ કહેતા હતા. સાથે જ ‘પૅડમૅન’ બનાવી ત્યારે પણ લોકો એને લઈને ચોંકી ગયા હતા. એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મેં જ્યારે ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ બનાવી ત્યારે દરેક એના ટાઇટલને લઈને ચોંકી ગયા હતા. મને એમ કહેવામાં આવતું હતું કે શું તું પાગલ છે? તું શૌચાલય પર ફિલ્મ બનાવવાનો છે? આવા વિષય પર કોણ ફિલ્મ બનાવે? હું તેમને કહેતો કે મારી ફિલ્મ કેવો બિઝનેસ કરશે એ વિશે મહેરબાની કરીને મને હતોત્સાહ ના કરો. મને હિંમત આપો કે આપણે આવી ફિલ્મો બનાવી રહ્યા છીએ જે આપણાં બાળકોને દેખાડીશું. આપણા સમાજમાં પરિવર્તન લાવવાનો સમય છે.’
સાથે જ સૅનિટરી પૅડ્સને લઈને તેણે ‘પૅડમૅન’ બનાવી હતી. એક ઇવેન્ટમાં તે સૅનિટરી પૅડ્સ હાથમાં લઈને ઊભો હતો. એ વખતનો અનુભવ જણાવતાં અક્ષયકુમારે કહ્યું કે ‘મેં સૅનિટરી પૅડ્સને લઈને ‘પૅડમૅન’ બનાવી હતી. કોઈ સૅનિટરી પૅડ્સને હાથ અડાડવા તૈયાર નહોતા. કિસી કે બાપ મેં દમ નહીં થા કી સૅનિટરી પૅડ્સ પે ફિલ્મ બનાયે. લોકો એને હાથ લગાવતાં પણ અચકાતા હતા. હું એક ઇવેન્ટમાં એક વ્યક્તિ સાથે ઊભો હતો. તેનું નામ નહીં જણાવું. હું ચીફ ગેસ્ટ તરીકે હાજર હતો. એ વ્યક્તિ મારી નજીક આવી અને મારા કાનમાં કહ્યું કે ‘મને પૅડ હાથમાં ન આપતો, કારણ કે એ સારું નથી લાગતું.’
આશા છે આપણી ફિલ્મો ભવિષ્યમાં હૉલીવુડની જેમ બેથી ત્રણ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કરે : અક્ષયકુમાર
ADVERTISEMENT
અક્ષયકુમારે આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં ફિલ્મો બેથી ત્રણ હજાર કરોડનો બિઝનસ કરશે. આ વાત તેણે એટલા માટે કહી છે, કેમ કે તાજેતરમાં સલમાન ખાને જણાવ્યું હતું કે હવે ૧૦૦ કરોડનો બિઝનેસ કરવો ફિલ્મ માટે સરળ છે, એથી નવો બેન્ચમાર્ક ૧૦૦૦ કરોડનો હોવો જોઈએ. એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘ફિલ્મ ચોક્કસ પ્રકારનો બિઝનેસ કરશે એવું જણાવીને એના પર પ્રેશર ન નાખો. ફિલ્મની કમર્શિયલ બાજુ પર ધ્યાન ન આપવું જોઈએ. કેટલીક સ્ટોરી એનાથી પરે હોય છે. આશા છે કે ઇન્ડસ્ટ્રી વધુ ને વધુ હિટ્સ આપે. શાહરુખ ખાનની ‘જવાન’એ જ્યારે સારો બિઝનેસ કર્યો ત્યારે મને ખૂબ ખુશી થઈ હતી. એવી અનેક ફિલ્મ છે જેવી કે ‘ગદર 2’ અને ‘OMG 2’ જેણે સારો બિઝનેસ કર્યો છે. ઇન્ડસ્ટ્રી માટે આ સારી બાબત છે. કોવિડ દરમ્યાન ઇન્ડસ્ટ્રી ખૂબ ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી. હવે સ્થિતિ થાળે પડી રહી છે. ૧૦૦૦ કરોડનો બેન્ચમાર્ક રાખવામાં આવે એ સારી વાત છે. મારી તો ઇચ્છા છે કે આપણી ફિલ્મો હૉલીવુડની જેમ બેથી ત્રણ હજાર કરોડનો બિઝનસ કરે, કારણ કે જેવા પ્રકારની ફિલ્મો, સ્ક્રીનપ્લે અને સ્ક્રિપ્ટ આપણી પાસે છે એ તેમની પાસે નથી.’