Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `થૅન્ક યુ ફૉર કમિંગ` રીવ્યૂ : સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શનની વાતમાં સિન્સિયરિટીની અછત

`થૅન્ક યુ ફૉર કમિંગ` રીવ્યૂ : સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શનની વાતમાં સિન્સિયરિટીની અછત

Published : 08 October, 2023 05:43 PM | IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

આ ફિલ્મને રિયા કપૂર અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે, જેને રિયાના પતિ કરણ બુલાનીએ ડિરેક્ટ કરી છે.

થૅન્ક યુ ફૉર કમિંગ

થૅન્ક યુ ફૉર કમિંગ


થૅન્ક યુ ફૉર કમિંગ


કાસ્ટ : ભૂમિ પેડણેકર, શેહનાઝ ગિલ, કુશા કપિલા, ડોલી સિંહ, શિબાની બેદી, કરણ કુન્દ્રા



ડિરેક્ટર : કરણ બુલાની


રીવ્યૂ : બે સ્ટાર
     

ભૂમિ પેડણેકર, શેહનાઝ ગિલ, કુશા કપિલા, ડોલી સિંહ, શિબાની બેદીની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મને રિયા કપૂર અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે, જેને રિયાના પતિ કરણ બુલાનીએ ડિરેક્ટ કરી છે. કરણે અગાઉ ‘સિલેક્શન ડે’ ડિરેક્ટ કરી હતી, પરંતુ આ તેને માટે એકદમ નવો વિષય છે.


સ્ટોરી ટાઇમ

ભૂમિ પેડણેકરે આ ફિલ્મમાં દિલ્હીની કનિકા કપૂરનું પાત્ર ભજવ્યું છે. તેનો ઉછેર સિંગલ મધર એટલે કે નતાશા રસ્તોગીએ કર્યો છે. તેમના ઘરમાં નાની એટલે કે ડોલી અહલુવાલિયા પણ છે (આ ફિલ્મની સ્ટોરી તો એકલી છોકરીઓની આસપાસ ફરે છે, પરંતુ મુખ્ય પાત્રના ઘરમાં પણ એકલી મહિલાઓ જ છે). તે ફૂડ-બ્લૉગર છે અને લાઇફમાં ફક્ત સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શન માટે એક પર્ફેક્ટ છોકરાને શોધતી હોય છે. તેની ઉંમર ૩૨ વર્ષ છે અને તે અગાઉ ઘણી રિલેશનશિપમાં બ્રેકઅપ કરી ચૂકી છે. તે જ્યારે સ્કૂલમાં હોય છે ત્યારે તેને કાંડુ કનિકા કહેવામાં આવે છે. તેને આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે હંમેશાં એવું બોલતી હોય છે જે તેની ઉંમરની છોકરી પાસે આશા રાખવામાં ન આવતી હોય. કનિકા રિલેશનશિપમાં નિષ્ફળ રહે છે અને તે અરેન્જ્ડ મૅરેજ કરવા તૈયાર થઈ જાય છે. જોકે એ દરમ્યાન તેને એહસાસ થાય છે કે સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શન માટે તેને છોકરાની જરૂર નથી.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાધિકા આનંદ અને પ્રશસ્તિ સિંહે લખી છે. આ ફિલ્મમાં મહિલાના દૃષ્ટિકોણથી સેક્સની વાત કરવામાં આવી છે. પ્રિયંકા ચોપડા જોનસે ૨૦૦૬માં એક મૉપેડ માટે ઍડ કરી હતી, જેનું કૅમ્પેન ‘વાય શુડ બૉય્‍સ હેવ ઑલ ધ ફન?’ હતું. ૨૦૦૬થી જ્યારે મહિલાઓને લઈને વાત કરવામાં આવી રહી છે ત્યારે ૧૫ વર્ષ પછી પણ તેમની વાતને હજી સુધી ચોક્કસ રીતે પડદા પર રજૂ નથી કરી શકાઈ. રાધિકા અને પ્રશસ્તિ પાસે ઘણો સારો સબ્જેક્ટ હતો, પરંતુ તેઓ ચૂકી ગઈ છે. તેમણે જ્યારે મહિલાને શું જોઈએ છે અને તેમના સૅટિસ્ફૅક્શનની વાત કરતી હોય ત્યારે એને ખૂબ સિન્સિયરલી બનાવવી જોઈએ. રાધિકા અને પ્રશસ્તિ સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શનની લાયમાં મહિલાને ઇન્ડિપેન્ડન્ટ દેખાડવાનું ભૂલી ગઈ છે. કનિકાને ફૂડ-બ્લૉગર તો કહેવામાં આવી છે, પરંતુ તે ખરેખર ઇન્ડિપેડન્ટ નથી અને તેની ફ્રેન્ડ્સ તેને જરૂર પડે ત્યારે ટપકતી હોય છે, પરંતુ તેઓ શું કામ કરે છે એ પણ કહેવામાં નથી આવ્યું. કામ કરવાની વાત તો દૂર રહી, તેમણે ફિલ્મની સ્ટોરીને ખૂબ નબળી બનાવી છે. સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શનની વાતમાં ફિલ્મ પોતાનું સ્ટૅન્ડ લેવામાં નિષ્ફળ ગઈ છે. સ્ટોરી કઈ દિશામાં જવી જોઈએ એની ખબર નથી પડતી. ભૂમિની છેલ્લી જે સ્પીચ છે એ પણ એકદમ પ્રિડિક્ટેબલ છે. બૉલીવુડમાં હવે એક નવો ચીલો પડી રહ્યો છે અને એ છે સ્પીચ આપવાનો. ‘થ્રી ઇડિયટ્સ’ના ચતુરની જેમ સ્પીચ કહેવામાં આવે તો એ વાત અલગ છે, પરંતુ એ સિવાય સ્પીચમાં હવે લોકોને એટલો રસ નથી રહ્યો. વિઝ્‍યુઅલ પ્રેઝન્ટેશન વધુ ઇમ્પૅક્ટફુલ હોય છે. સ્ટોરી એટલી નબળી હતી કે કરણ બુલાની પણ એમાં કાંઈ કરી શકે એમ નહોતો. કેટલાક ડાયલૉગ પણ એવા છે જે આપણે ભલે ગમે એટલી ગાળો બોલતા હોઈએ, પરંતુ હાઈ સ્કૂલના સ્ટુડન્ટ્સ સામે કે ઑફિસમાં સિનિયર સામે બોલવાનું ટાળીએ છીએ એનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પર્ફોર્મન્સ

ભૂમિએ તેના કનિકાના પાત્રને તેનાથી શક્ય હોય એ રીતે સ્ક્રીન પર રજૂ કરવાની કોશિશ કરી છે. તે પોતે આ સ્ક્રિપ્ટમાં બંધાઈ ગઈ છે એ જોઈ શકાય છે. તે પોતાના દમ પર આ ફિલ્મને કેટલી ઉઠાવી શકે, તેને સ્ક્રિપ્ટનો પણ સપોર્ટ મળવો જરૂરી છે. આ ફિલ્મમાં કુશા કપિલાનું કામ તે સોશ્યલ મીડિયા પર જે કરે છે એ જ છે, એ સિવાય એમાં કાંઈ નવું નથી. શેહનાઝ ગિલ અને કરણ કુન્દ્રા ફિલ્મમાં છે કે નહીં એ બન્ને બરાબર છે. તેઓ ગમે ત્યારે સ્ક્રીન પર દેખાઈ જાય છે અને તરત ગાયબ પણ થઈ જાય છે. તેમને 
કારણે જોકે ફિલ્મમાં કોઈ ખાસ કોઈ અસર નથી પડતી. સુશાંત દિવગીકરનું પાત્ર નાનું છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગ છે. કનિકાની મમ્મી અને નાનીનું પાત્ર ભજવનાર અભિનેત્રીઓ અનુક્રમે નતાશા અને ડોલી અહલુવાલિયાને વેડફી નાખી છે.

મ્યુઝિક

આ ફિલ્મનું મ્યુઝિક કરણ, ધ જમરૂમ, હનીતા ભામ્બ્રી, વિશાલ મિશ્રા અને અમન પંતે આપ્યું છે. એક કરતાં વધુ મ્યુઝિશ્યન એક ફિલ્મમાં હોય ત્યારે ભાગ્યે જ એકાદ ગીત એવું હોય જે યાદ રહી જાય, કારણ કે અલગ-અલગ મ્યુઝિક ડિરેક્ટર હોવાથી તેઓ ફિલ્મના હાર્દને સ્પર્શી નથી શકતા. જોકે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું સારું છે. આ સાથે જ ‘પરી હૂં મૈં’નું રીક્રીએટ વર્ઝન સાંભળવાની મજા આવે છે.

આખરી સલામ
મહિલાઓના સેક્સ્યુઅલ સૅટિસ્ફૅક્શનની વાત જ્યારે કરવાની હિંમત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં મહિલાને ઇન્ડિપેન્ડન્ટ દેખાડવાની જરૂર છે, નહીં તો જે મેસેજ આપવામાં આવી રહ્યો છે એ એટલો ઇમ્પૅક્ટફુલ નથી રહેતો. આ ફિલ્મને એક સેક્સ-કૉમેડી (જે નથી) તરીકે જોવામાં આવે તો જોઈ શકાય છે. જોકે એને વધુ સિન્સિયરલી બનાવવાની જરૂર હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2023 05:43 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK