તરલા દલાલની પર્સનલ લાઇફ પર ફોકસ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રોફેશનલ લાઇફને નજરઅંદાજ કરવામાં આવી છે : સ્ટોરીને સિમ્પલ રાખવામાં આવી છે, પરંતુ એમાં તડકો લગાવી શકાયો હોત
ફિલ્મ `તરલા`નો સીન
ફિલ્મ : તરલા
કાસ્ટ : હુમા કુરેશી, શારીબ હાશમી
ADVERTISEMENT
ડિરેક્ટર : પીયૂષ ગુપ્તા
રિવ્યુ : અઢી સ્ટાર
ફેમસ કુક તરલા દલાલના જીવન પરથી ફિલ્મ ‘તરલા’ બની છે. આ ફિલ્મમાં હુમા કુરેશીએ કામ કર્યું છે. આ ફિલ્મને ડેબ્યુટન્ટ ડિરેક્ટ પીયૂષ ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહી છે. તરલા દલાલને તેમના કુકિંગ માટે ઘણા લોકો ઓળખે છે, પરંતુ તેમની લાઇફ વિશે કોઈને કશી ખબર નથી. આથી આ વિષય પર ફિલ્મ બનાવવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
તરલા એટલે કે હુમા કુરેશી પુણેમાં રહે છે. તે કૉલેજમાં તેની પ્રોફેસરથી ખૂબ ઇમ્પ્રેસ થાય છે. તેણે પણ એકદમ કૉન્ફિડન્સ બનવું છે. જોકે લાઇફમાં શું બનવું છે અને કેવી રીતે બનવું છે એની તેને જાણ નહોતી. તે મિડલ ક્લાસમાંથી આવે છે. તેના ઘરનાનું એક જ મિશન હોય છે કે તરલાનાં લગ્ન કરાવી દેવાં. ત્યાર બાદ તેણે લાઇફમાં જે કરવું હોય એ એ કરી શકે છે. તરલાને જોવા માટે નલિન દલાલ એટલે શારીબ હાશમી આવે છે. તે જોતાની સાથે જ તરલાને હા પાડી દે છે. તરલાનાં લગ્ન થઈ જાય છે અને બાળકો પણ થાય છે, પરંતુ લાઇફમાં શું કરવું એની હજી તેને ખબર નથી. તે વેજિટેરિયન છે અને જોરદાર ખાવાનું બનાવે છે. જોકે તેનો પતિ ચોરીછૂપી નૉન-વેજ ખાતો હોય છે. તરલાને એની ખબર પડી જાય છે એટલે તે પતિ માટે વેજમાં જ નૉન-વેજ જેવો સ્વાદ આપવા માગે છે. જોકે એ સમયે પણ તરલાને ખબર નથી હોતી કે એની અંદર શું છુપાયેલું છે. તે કેવી રીતે કુકિંગ માટેની જાણીતી શેફ બને છે એના પર ફિલ્મની સ્ટોરી છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરી ખાસ કરીને તરલાની લાઇફ પર રાખવામાં આવી છે. લાઇફ એટલે કે પર્સનલ પ્રોફેશનલ નહીં. તરલા સાથે શું બન્યું હતું એ દેખાડવામાં આવ્યું છે. એક મહિલાને ઘરમાં કેવી-કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ જ તે વર્કિંગ વુમન હોય તો તે કેવી રીતે ઘર અને કામ સંભાળે છે તથા એ દરમ્યાન તેણે શું–શું સાચવવું અને સાંભળવું પડે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. જોકે પીયૂષે પર્સનલ લાઇફ પર ફોકસ કરવામાં પ્રોફેશનલ લાઇફને મિસ કરી દીધી છે. તેના ડિરેક્શનમાં એક સિમ્પલિસિટી જોવા મળી છે. જોકે તે આ સ્ટોરીમાં તડકો ૧૦૦ ટકા લગાવી શક્યો હોત. તેણે મહિલાઓને એક મેસેજ જરૂર આપ્યો છે કે પોતાનાં સપનાંઓને ફૉલો કરો, પણ તેને કેવી રીતે સફળતા મળે અને એ સફળતાને તે કેવી રીતે પચાવી જાણે જેવી બાબતોને નજરઅંદાજ કરવામાં આવી છે. તરલા દલાલ સાથે તેની સાસુ નાની-નાની બાબત માટે કેવો વ્યવહાર કરે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ ફૂડ છે. તરલા દલાલ જેને માટે જાણીતાં છે એ વાત જ ફિલ્મમાંથી ગાયબ છે. ફિલ્મના પ્રમોશન પહેલાં હુમા કુરેશીએ કહ્યું હતું કે તરલા દલાલથી પ્રેરિત થઈને તેના પિતાએ તેમની રેસ્ટોરાંમાં એક ડિશ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. જોકે એવી એક પણ ડિશ આ ફિલ્મમાં જોવા નથી મળતી. ડિશ જોઈને મોંમાં પાણી આવી જાય એવું પણ નથી.
પર્ફોર્મન્સ
હુમા કુરેશીએ તેના પર્ફોર્મન્સમાં તડકો લગાવી દીધો છે. તે પોતે તરલા દલાલ જ લાગે છે. જોકે જુદા-જુદા ટાઇમ-પિરિયડને લઈને જ્યારે ટ્રાન્સેશન આવે છે ત્યારે હુમા થોડી માર ખાઈ જાય છે. જોકે એમ છતાં તેણે તરલાનાં ઇમોશન્સને ખૂબ સારી રીતે ભજવ્યાં છે. ઍક્ટિંગમાં જો કોઈએ ટક્કર મારી હોય તો એ છે શારીબ હાશમી. તેણે એક પતિના ઇમોશન્સની સાથે એક સફળ પત્ની સાથે રહેનાર વ્યક્તિમાં કેવાં કૉમ્પ્લેક્સ આવે છે એને ખૂબ સારી રીતે ભજવ્યાં છે. તેની દીકરી માંદી છે ત્યારે તરલાએ તેના કામને મહત્ત્વ આપવું પડે છે એ વખતે કેવી રીતે એક મહિલા પર પૂરેપૂરો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે એ દૃશ્યને પણ ખૂબ સારી રીતે ભજવ્યું છે. જોકે અંતમાં શારીબ હાશમી પણ કહે છે કે તેનામાં એક પુરુષ તરીકેનો જે વિકાસ થયો છે એને માટે કોઈ વ્યક્તિને ક્રેડિટ આપવી હોય તો એ તરલા છે. જોકે એ પહેલાં તરલાએ ઘણાં ઇમોશન્સમાંથી પસાર થવું પડે છે, જે દરેક ઘરની વાત છે. ભારતી આચરેકર પણ તેમની ઍક્ટિંગને કારણે દર્શકોને પોતાની તરફ આકર્ષે છે.
આખરી સલામ
ફિલ્મની સ્ટોરી ખાસ કરીને પર્સનલ લાઇફ પર ફોકસ કરે છે, પરંતુ એમાં પ્રોફેશનલ લાઇફ એટલે ફૂડનો પણ તડકો હોવો જોઈતો હતો.

