સિમ્પલ સ્ટોરી અને સિમ્પલ હીરોને પોતાના વિઝન દ્વારા ગ્રૅન્ડ બનાવવામાં તેઓ એક નંબર છે : ઍક્શન હોય કે પ્રેમ, ઇમોશન હોય કે હ્યુમર; એસ. એસ. રાજામૌલીએ દરેક બાબતનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે
`RRR`નો સીન
ફિલ્મ : RRR
કાસ્ટ : રામચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, અજય દેવગન, રે સ્ટીવન્સન, ઓલિવિયા મૉરિસ
ADVERTISEMENT
ડિરેક્ટર : એસ. એસ. રાજામૌલી
રિવ્યુ : પૈસા વસૂલ - ચાર સ્ટાર
કરીઅર બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યા બાદ પણ શું બેસ્ટ આપવું એ દરેક ફીલ્ડ દરેક ઇન્ડસ્ટ્રીનો સવાલ હોય છે. એસ. એસ. રાજામૌલીએ તેમની કરીઅરની બેસ્ટ અને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ ‘બાહુબલી’ સિરીઝ આપી હતી. આ ફિલ્મ બાદ તેઓ એનાથી શું સારું આપી શકે એ માટે પાંચ વર્ષનો સમય લાગ્યો છે. જોકે આ પાંચ વર્ષમાં કોવિડે પણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમણે આટલો સમય કેમ લીધો એ ‘RRR’ જોયા બાદ ખબર પડી જશે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી કોમરામ ભીમ (જુનિયર એનટીઆર) અને બ્રિટિશ પોલીસ ઑફિસર રામારાજુ (રામચરણ)ની આસપાસ ફરે છે. ફિલ્મ ૧૯૨૦ની આસપાસ દિલ્હીના આઉટસ્કર્ટમાં છે. બ્રિટિશ આર્મીનો ગવર્નર એક ટ્રાઇબલ કબીલાની નાનકડી છોકરીને લઈ જાય છે. આ ટ્રાઇબલ કબીલાની સુરક્ષા ભીમ કરતો હોય છે. આથી તે એ છોકરીને બચાવવા માટે જાય છે. સ્ટોરી સાંભળીને એકદમ સિમ્પલ લાગે છે, પરંતુ એ એટલી સિમ્પલ નથી અને એને જે રીતે રજૂ કરવામાં આવી છે એ પણ એટલું જ અદ્ભુત છે. ભીમ જ્યારે એ છોકરીને બચાવવા માટે જાય છે ત્યારે બીજી તરફ બ્રિટિશર એ કેસ રામારાજુને સોંપે છે. રામારાજુ પણ રંગભેદનો શિકાર થતો હોય છે. તે પણ હંમેશાં ગુસ્સે હોય છે અને તેનામાં સતત એક આગ જોવા મળે છે. તે કોઈ પણ રીતે બ્રિટિશરને ખુશ રાખવા માગતો હોય છે જેથી તેને પણ હાઈ રૅન્ક મળી શકે. આ દરમ્યાન બન્નેની દોસ્તી થાય છે, પરંતુ બન્ને એકબીજાના મિશનથી અજાણ હોય છે અને બન્નેને જ્યારે તેમના મિશનની જાણ થાય ત્યારે ઇન્ટરવલ પડે છે. જોકે ત્યાર બાદ શું થાય છે એ જોવા ફિલ્મ જોવી રહી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ રિયલ લાઇફ ફ્રીડમ ફાઇટર પરથી એક ફિક્શન સ્ટોરી બનાવવામાં આવી છે. કે. વી. વિજયેન્દ્ર પ્રસાદની આ સ્ટોરીને સ્ક્રીન પર એસ. એસ. રાજામૌલીએ રજૂ કરી છે. એક સામાન્ય દેખાતી સ્ટોરીને કેવી રીતે ગ્રૅન્ડ બનાવવી અને કેવી રીતે એને પૂરતો ન્યાય આપવો એ એસ. એસ. રાજામૌલી પાસેથી શીખવું પડે છે. ‘બાહુબલી’ની સરખામણીએ આ ફિલ્મની સ્ટોરી થોડી નબળી છે, પરંતુ તેમણે આ ફિલ્મ સાથે ખૂબ જ રિસ્ક લીધું હોવાથી એ એના કરતાં પણ વધુ સારી પુરવાર થઈ છે. સ્ટોરીને જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી છે એ ખૂબ જ સારી છે. દરેક સ્ટોરીની સાથે એક બૅક સ્ટોરી હોય છે અને દરેક એકબીજા સાથે કનેક્ટ થાય છે. ફિલ્મ ત્રણ કલાક કરતાં પણ લાંબી છે, કારણ કે દરેક સ્ટોરીને કહેવા માટે પૂરતો સમય લેવામાં આવ્યો છે અને એમાં કોઈ બાંધછોડ કરવામાં નથી આવી. એસ. એસ. રાજામૌલીએ ત્રણ Rને ફાયર, વૉટર અને રીવૉલ્ટ કહ્યા છે. ફિલ્મની શરૂઆત તેમણે ખૂબ જ સારી રીતે કરી છે. તેમણે ફાયર એટલે કે રામચરણની સ્ટોરી અલગથી કહી છે અને વૉટર એટલે કે જુનિયર એનટીઆરની સ્ટોરી અલગથી કહી છે. આ બન્ને સ્ટોરી બાદ રીવૉલ્ટ આવે છે જ્યાંથી ખરી ફિલ્મ શરૂ થાય છે. જોકે એનાં મૂળ ફાયર અને વૉટરમાં છે. ફિલ્મની શરૂઆતથી જ એ એક ગ્રૅન્ડ સ્ટોરી હોય એવું લાગે છે અને રાજામૌલીએ એ છેલ્લા દૃશ્ય સુધી મેઇન્ટેન રાખ્યું છે. તેમણે પણ ઘણી લિબર્ટી લીધી છે, પરંતુ એને શક્ય હોય એટલી લૉજિકલ બનાવવાની કોશિશ કરી છે. રાજમૌલીએ સ્ટોરી, ઍક્શન, ઇમોશન્સ, ડ્રામા, હ્યુમર અને ડાન્સ દરેક ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ પર્ફેક્શન સાથે કામ કર્યું છે. એક-એક દૃશ્યમાં એસ. એસ. રાજામૌલીની ઝલક જોવા મળે છે અને એ બૉલીવુડના ફિલ્મમેકર્સે શીખવું ખૂબ જ જરૂરી છે. ફક્ત વધુ બજેટ હોવાથી ફિલ્મ ગ્રૅન્ડ નથી બની જતી. ખાસ કરીને એક દૃશ્ય છે જેમાં ભીમ વાઘ સાથે જોવા મળી રહ્યો છે. આ દૃશ્ય પરથી બૉલીવુડે ખરેખર શીખવું જોઈએ. ભીમ જ્યારે વાઘ સાથે લડી રહ્યો હોય છે ત્યારે તેના ચહેરા પર એનો ભય સતત જોવા મળે છે. ત્યાર બાદ તે જ્યારે પોતાનો જાન લગાવી દે છે ત્યારે તેની બૉડી તેના દરેક મસલ પરથી દેખાઈ આવે છે કે તે પોતાના જીવ માટે લડી રહ્યો છે. જોકે બૉલીવુડમાં સલમાનભાઈ ‘ટાઇગર ઝિંદા હૈ’માં જ્યારે વુલ્ફ સાથે લડે છે ત્યારે ફક્ત ને ફક્ત સ્વૅગ જ દેખાડવામાં આવે છે. આથી જ એક ખરું સિનેમા અને સલમાનભાઈની ફિલ્મ વચ્ચે હંમેશાં અંતર રહેશે. આ અંતર રાજામૌલી જેવા જ ડિરેક્ટર જણાવી શકે છે નહીં કે બૉલીવુડના નામચીન ડિરેક્ટર. આ સાથે જ રાજામૌલીએ એક વાતનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને એ છે બોલી. મોટા ભાગની ફિલ્મોમાં બ્રિટિશરોની બોલીને ટિપિકલ દેખાડવામાં આવી છે. જોકે આ ફિલ્મમાં અંગ્રેજો કોઈ પણ મેસેજ પાસ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરે છે અને એ ખૂબ જ સારી વાત છે. રાજામૌલીએ તેના સ્ક્રીનપ્લેમાં નાનામાં નાની વાતની ખાતરી રાખી છે અને એ જ વાત આ ફિલ્મને ગ્રૅન્ડ બનાવે છે.
પર્ફોર્મન્સ
ફિલ્મની શરૂઆત રામચરણની એન્ટ્રીથી થાય છે. સતત ગુસ્સામાં અને બદલાની ભાવના રાખનાર વ્યક્તિનું પાત્ર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેનામાં સતત એક આગ હોય એ જોઈ શકાય છે. રાજામૌલીએ એ આગ દેખાડવા માટે જેટલી કાળજી રાખી છે એટલી જ રામચરણે પણ રાખી છે કે તે એ પાત્રને ન્યાય આપી શકે. શરૂઆતથી લઈને અંત સુધીમાં રામારાજુમાં ઘણો બદલાવ આવે છે અને એ દરેક બદલાવ દર્શકો જોઈ શકે છે અને એક ઍક્ટર માટે એ જ ખરી સિદ્ધિ છે. જુનિયર એનટીઆરે સૌથી સારું કામ કર્યું છે. તે વૉટર એટલે કે પાણી જેવો શાંત, પરંતુ સમય આવ્યે પ્રલય મચાવી દે છે. તેણે એક સામાન્ય ટ્રાઇબલ કબીલાનું પાત્ર હોવાની સાથે તેની ઇમોશન્સ અને તેના માટે તેના સંબંધ સર્વસ્વ હોય છે એ દેખાડ્યું છે. આ સંબંધ પછી દોસ્તી જ કેમ ન હોય. ભીમના એક-એક દુઃખ-દર્દ-ખુશી-પ્રેમ-દોસ્તી-માસૂમિયત વગેરેને તેણે સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે રજૂ કર્યાં છે. તેમ જ રામારાજુ અને ભીમ વચ્ચેની દોસ્તી હંમેશાં સ્ક્રીન પર જોવા મળે છે. એ માટે રાજામૌલી અને બન્ને ઍક્ટર્સના બ્રૉમૅન્સને દાદ આપવી રહી છે. જોકે રાજામૌલીને વધુ કારણ કે તેમણે સ્ક્રીન પર તેઓ જ્યારે-જ્યારે આવે છે ત્યારે ફાયર અને વૉટરની થીમને મેઇન્ટેન રાખી છે. રામારાજુની પત્ની સીતાના રોલમાં આલિયા ભટ્ટે કામ કર્યું છે. આ પાત્ર પણ સ્ટોરીને એક વળાંક આપવા માટે રાખવામાં આવ્યું છે બાકી એની પાસે કોઈ ખાસ કામ નથી હોતું. આલિયાએ તેને જે કામ આપવામાં આવ્યું એ સારી રીતે કર્યું છે, પરંતુ તેની પાસે વધુ કામ કઢાવવામાં આવ્યું હોત તો વાત જ અલગ હોત. અજય દેવગનનો આ ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વનો રોલ છે. તે થોડા સમય માટે છે, પરંતુ આ ‘રીવૉલ્ટ’ને શરૂ કરવાનું શ્રેય તેને જાય છે. શ્રિયા સરન પણ સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. જેનિફરનું પાત્ર ભજવતી ઓલિવિયા મૉરિસે સારું કામ કર્યું છે. જેની અને ભીમની કેમિસ્ટ્રી પણ સારી દેખાય છે અને તેમની દરેક વાતચીતમાં હ્યુમર જોવા મળે છે અને એ એક પ્લસ પૉઇન્ટ છે. એ માટે રાઇટરને દાદ દેવી રહી. રે સ્ટિવન્સને ગવર્નરનું પાત્ર ભજવ્યું છે. જોકે તેને જેટલો નિર્દય કહેવામાં આવ્યો છે એટલો દેખાડવામાં નથી આવ્યો.
મ્યુઝિક
એસ. એસ. રાજામૌલીની ફિલ્મમાં એક પણ ગીત એવું નથી જે ક્લબમાં વાગી શકે. જોકે દરેક ગીતની એક સ્ટોરી છે અને દરેક ગીતને ચોક્કસ હેતુસર રાખવામાં આવ્યું છે. ટાઇગર શ્રોફ અને હૃતિક રોશન જેવો ડાન્સ જોવામાં સારો લાગે છે, પરંતુ જુનિયર એનટીઆર અને રામચરણે જે ડાન્સ કર્યો છે એ ખૂબ જ મુશ્કેલ છે. ઘણી વાર સ્ટાઇલિશ ડાન્સ કરવા કરતાં ગોવિંદા ડાન્સ જોવાની ઘણી મજા આવે છે. આ ફિલ્મમાં એ ડાન્સને દેસી ડાન્સ કહેવામાં આવ્યો છે. ‘નાચો નાચો’ ગીતની કોરિયોગ્રાફી અને દરેક વસ્તુ ખૂબ જ અદ્ભુત છે. આ એક જ ગીતમાં, પ્રેમ, ઈર્ષ્યા, દોસ્તી, સ્પર્ધા, દોસ્તી માટેનું બલિદાન બધું જોવા મળે છે. આ બધું એક જ ગીતમાં દેખાડવું ખાવાના ખેલ નથી. તેમ જ આ દરેક વસ્તુને મ્યુઝિક દ્વારા ન્યાય આપવો એ એમ. એમ. ક્રીમ જ કરી શકે છે. રાજામૌલીના દરેક ગ્રૅન્ડ દૃશ્યને એમ. એમ. ક્રીમે તેમના મ્યુઝિક દ્વારા વધુ ગ્રૅન્ડ બનાવ્યું છે.
આખરી સલામ
આ એક એવી ફિલ્મ છે જેને સિનેમાના પડદા પર જોવામાં આવે તો પણ એ સ્ક્રીન નાની લાગે છે. આ અદ્ભુત ફિલ્મ માટે રાઇટર, ડાયલૉગ રાઇટર, ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, પ્રોડ્યુસર, સિનેમૅટોગ્રાફર, ટેક્નિશ્યન, વીએફએક્સ, એડિટર, સ્પૉટબૉય, ટૂંકમાં દરેક વ્યક્તિનો આભાર માનવો રહ્યો.

