વિદ્યુત જામવાલ તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને એટલે કે ઍક્શન વગર કામ કરતો જોવા મળ્યો છે : સ્ટોરીટેલિંગ અને ટાઇમલાઇને કન્ફ્યુઝન ઊભું કર્યું છે જે ફિલ્મનો માઇનસ પૉઇન્ટ છે
વિશાલ જેઠવા
ફિલ્મ : IB 71
કાસ્ટ : વિદ્યુત જામવાલ, અનુપમ ખેર, વિશાલ જેઠવા, દલિપ તાહિલ
ADVERTISEMENT
ડિરેક્ટર : સંકલ્પ રેડ્ડી
રિવ્યુ : બે સ્ટાર (ઠીક-ઠીક)
વિદ્યુત જામવાલની ‘IB 71’ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરોની અનટોલ્ડ સ્ટોરી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અનુપમ ખેર અને વિશાલ જેઠવાએ પણ કામ કર્યું છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી પાકિસ્તાન સાથેના ૧૯૪૮ અને ૧૯૬૫ના યુદ્ધ બાદની છે. પાકિસ્તાન ૧૯૭૧માં ફરી ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોય છે અને આ સમયે એ ચીન સાથે મળીને હુમલો કરવાનું હોય છે. જોકે ઇન્ડિયાના ઇન્ટેલિજન્સ બ્યુરોને આ માહિતી મળે છે. તેઓ લગભગ ૩૦ એજન્ટની મદદથી આ અટૅકને ટાળવાની કોશિશ કરે છે. આ માટે તેઓ એકદમ અલર્ટ થઈ જાય છે, પરંતુ એની કાનોકાન ખબર પાડોશી દેશ પાકિસ્તાન કે એના ઇન્ટેલિજન્સને નથી પડતી. તેઓ ઍર સ્પેસને જ બ્લૉક કરવાનું નક્કી કરે છે જેથી પાકિસ્તાન હોય કે ચીન, આપણા દેશમાં એન્ટર નહીં થઈ શકે. આ માટે ઇન્ડિયાના બેસ્ટ ઇન્ટેલિજન્સ એજન્ટ દેવ એટલે કે વિદ્યુત જામવાલને આ કામ સોંપવામાં આવે છે. તેના ઑફિસર તરીકેની ફરજ અનુપમ ખેર બજાવી રહ્યો છે.
ડિરેક્શન અને સ્ક્રીનપ્લે
ફિલ્મને ડિરેક્ટ સંકલ્પ રેડ્ડીએ કરી છે. તેણે અર્જુન વર્મા, ઈ. વાસુદેવ રેડ્ડી, અર્જુન ભીમાવરપુ, ગાર્ગી સિંહ અને અભિમન્યુ શ્રીવાસ્તવે સાથે મળીને ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે. આ ફિલ્મ બે કલાકથી ઓછા સમયની છે એટલે એનું એડિટિંગ એકદમ ટાઇટ છે, પરંતુ એમ છતાં એ ફિલ્મને કન્ફ્યુઝ કરે છે. આ કન્ફ્યુઝનનું કારણ છે સ્ક્રીનપ્લે. સ્ક્રીનપ્લેને એ રીતે લખવામાં આવ્યો છે કે પહેલા પાર્ટમાં ઘણા સવાલો ઊભા થાય છે અને એનો જવાબ બીજા પાર્ટમાં મળે છે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે. આ સ્ક્રીનપ્લેને જે રીતે લખવામાં આવ્યો છે એમાં ટાઇમલાઇનને લઈને ખૂબ જ કન્ફ્યુઝન થાય છે અને એને કારણે ફિલ્મ પર એની નકારાત્મક અસર પડે છે. છેલ્લા ઘણા સમયથી બૉલીવુડમાં ટાઇમલાઇનને લઈને ગોટાળો મારવામાં આવે છે. ‘ધ કેરલ સ્ટોરી’માં પણ એ જ પ્રૉબ્લેમ હતો. આ ઇમેજ ડિરેક્શનના લીધે પણ ખરાબ થઈ છે. ડિરેક્ટર પણ સ્ટોરીને લઈને કન્ફ્યુઝ હોય એવું લાગે છે અને તેઓ જાણે સ્ટોરીના ભાગને જોડી રહ્યા હોય એવું લાગે છે, પરંતુ એમાં તેઓ નિષ્ફળ થાય છે. જોકે ફિલ્મમાં હ્યુમર જરૂર છે. સ્પાય–થ્રિલર હોવા છતાં ફિલ્મની સ્ટોરીમાં હ્યુમરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાની દેખાડવામાં આવે એટલે તેમની બોલવાની ઢબને એક ચોક્કસ પ્રમાણે દેખાડવામાં આવે છે. આ સ્ટિરિયોટાઇપ ફિલ્મનો એક માઇનસ પૉઇન્ટ છે.
પર્ફોર્મન્સ
વિદ્યુત જામવાલને આપણે ફ્લિપ કરતાં અને દીવાલ પર ચડતાં અને કારની એક બારીમાંથી જઈને બીજી સાઇડની બારીમાંથી નીકળતાં જોયો છે. જોકે અહીં તે તેની ઍક્શન ઇમેજને સાઇડ પર મૂકીને કામ કરતો જોવા મળી રહ્યો છે. તેની પાસે એક-બે ઍક્શન દૃશ્યો પણ આવ્યાં છે, પરંતુ મોટા ભાગે તે એનાથી દૂર જ રહ્યો છે. એક એજન્ટ તરીકેની તેની બૉડી-લૅન્ગ્વેજ અને મૅનરિઝમ કાબિલે દાદ છે. અનુપમ ખેર તેમના ઓરિજિનલ એલિમેન્ટમાં આવ્યા હતા. તેમની હાજરી સ્ક્રીન પર દેખાઈ આવે છે. ‘અ વેન્સ્ડે’માં તેમણે જે રીતે બાગડોર પોતાના હાથમાં લીધી હતી એ અહીં પણ જોવા મળે છે, પરંતુ દુઃખની વાત એ છે કે તેમનો સ્ક્રીન ટાઇમ ખૂબ જ લિમિટેડ છે. પાકિસ્તાની પ્રેસિડન્ટ ભુટ્ટોના રોલમાં દલિપ તાહિલ છે અને તેમની સાથે પણ સ્ક્રીન ટાઇમનો જ ઇશ્યુ છે. બ્રેઇનવૉશ થઈ ગયેલા યુવાન કાસિમ કુરેશીના પાત્રમાં વિશાલ જેઠવા જોવા મળ્યો છે. તે તેના ‘મર્દાની 2’ વાળા રૂપમાં નથી, પરંતુ એમ છતાં તેણે સારું કામ કર્યું છે. તેના ડાયલૉગ અને તેના પાત્રને જે રીતે લખવામાં આવ્યાં છે એને જોઈને ખરેખર હસવું આવે છે.
મ્યુઝિક
ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પ્રશાંત વિહારીએ આપ્યું છે. ઘણી જગ્યાએ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ લાઉડ થઈ જાય છે અને એ દૃશ્ય પર હાવી થઈ જાય છે. મ્યુઝિકનો તાલમેલ દૃશ્ય સાથે બેસાડવો ખૂબ જ જરૂરી હતો.
આખરી સલામ
વિદ્યુત જામવાલ પહેલી વાર ઍક્શનથી દૂર જોવા મળ્યો છે, પરંતુ સ્ક્રીનપ્લેએ તેને સાથ નથી આપ્યો. સ્ટોરીની ટાઇમલાઇન અને એને કેવી રીતે સ્ક્રીન પર રજૂ કરવી એના પર થોડું ફોકસ આપવામાં આવ્યું હોત તો એ સારી બની શકી હોત.