83 જેવી ફિલ્મ ઍક્ટર્સને લાઇફ-ટાઇમમાં એક વાર મળતી હોય છે:તાહિર રાજ ભસીન
તાહિર રાજ ભસીન
તાહિર રાજ ભસીનને 1983ના ઇતિહાસનો અહેસાસ કરવાની તક મળતાં તેણે કબીર ખાનની ‘83’ માટે તરત જ હા પાડી દીધી હતી. આ ફિલ્મમાં તે સુનીલ ગાવસકરનું પાત્ર ભજવી રહ્યો છે. રણવીર સિંહની સાથે આ ફિલ્મમાં અન્ય ઘણા ઍક્ટર્સ પણ કામ કરી રહ્યા છે. તાહિરે રોમૅન્ટિક હીરો તરીકે તેની પહેલી ફિલ્મ તાપસી પન્નુ સાથેની ‘લૂપ લપેટા’ સાઇન કરી છે. તેની છેલ્લી ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત સાથેની ‘છિછોરે’ સુપરહિટ રહી હતી. જોકે તે હાલમાં ‘83’ને લઈને ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મ તેને કેવી રીતે ઑફર થઈ હતી એ વિશે પૂછતાં તાહિરે કહ્યું હતું કે ‘નિતેશ તિવારીની ઑફિસ જે બિલ્ડિંગમાં છે એમાં જ કબીર ખાનની પણ ઑફિસ છે. હું જ્યારે ‘છિછોરે’ માટે રિહર્સલ કરી રહ્યો હતો ત્યારે તેઓ ‘83’ માટે તૈયારી કરી રહ્યા હતા. અમે ઘણી વાર સામસામે થયા હતા, પરંતુ તેમણે ક્યારેય તેમની ફિલ્મ વિશે ચર્ચા નહોતી કરી. તેમણે અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ મારી ‘મન્ટો’ જોઈ હતી. ત્યાર બાદ મને આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મેં 1940ના દાયકાના બૉલીવુડ સ્ટાર શ્યામ ચઢ્ઢાનું પાત્ર ભજવ્યું હતું. સુનીલ ગાવસકરના પાત્ર વિશે ચર્ચા કરવા માટે મુકેશ છાબરાએ મારી મીટિંગ કબીર ખાન સાથે કરાવી હતી. 1983ના ઇતિહાસનો અહેસાસ કરવાની તક મળતાં હું તરત આકર્ષાયો હતો.’
‘83’ને સાઇન કરવા વિશે તાહિરે કહ્યું હતું કે ‘મને ‘છિછોરે’માં ડેરેકનું પાત્ર ભજવીને અને તેની સફળતા જોઈને ખૂબ જ સંતોષ મળ્યો હતો. ‘લૂપ લપેટા’માં પણ કામ કરવાનો મારો એક્સ્પીરિયન્સ એકદમ અલગ રહેશે અને હું એ માટે તૈયાર છું. ‘83’ એક એસેમ્બલ ફિલ્મ છે અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને અહેસાસ થાય છે કે આવી ફિલ્મ લાઇફમાં એક વાર કરવા મળતી હોય છે અને એથી એક ઍક્ટર તરીકે એને સાઇન કરવી જોઈએ. ‘83’ મારા માટે એક એક્સ્પીરિયન્સ ફિલ્મ છે. આવી ફિલ્મમાં તમારું પાત્ર કેટલું છે અને તમારી સાથે કેટલા ઍક્ટર્સ છે એ મહત્ત્વનું નથી. આ ફિલ્મમાં તમે ટીમ તરીકે કેવું કામ કરો છો અને એનાથી અન્યના પર્ફોર્મન્સ પર શું અસર પડે છે એ જોવું રહ્યું. આ ફિલ્મ કરતાં પહેલાં મેં પોતાને સવાલો કર્યા હતા કે વર્લ્ડ કપ પર આગામી ફિલ્મ ક્યારે બનશે? ઍક્ટર્સ ત્રણ મહિના સુધી ઇંગ્લૅન્ડમાં રહીને વિવિધ શહેરોમાં ટીમની જેમ ફરીને ક્યારે પાછી ટ્રેઇનિંગ કરશે? લૉર્ડ્સ અને ઓવલ જેવા સ્ટેડિયમમાં ફરી ક્યારે શૂટિંગ કરવામાં આવશે?’
કબીર ખાન વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે ‘કબીર ખાનનું વિઝન ખૂબ જ સ્પેસિફિક છે અને એમ છતાં તે એક એવો ડિરેક્ટર છે જેને કંઈ પણ પૂછી શકાય છે. તે તૈયારી માટેની દરેક બાબતમાં ખૂબ જ ધ્યાન આપે છે અને શૂટિંગ દરમ્યાન તમને તમારી સ્પેસ આપે છે. સ્ટોરીની વાસ્તવિકતા પર તેની ખૂબ જ નજર હોય છે અને મને મારાં પાત્રો માટે સતત વિઝ્યુઅલ અને ઑડિયો રેકૉર્ડિંગ્સ દેખાડવામાં આવતાં હતાં. તેઓ મારી ટ્રેઇનિંગ પર ખાસ ધ્યાન રાખતા હતા, કારણ કે આવી ફિલ્મ માટે ફિઝિકલી ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. અમારી તૈયારી સ્ક્રીન પર કેવો રંગ લાવે છે એ જોવા માટે હું ખૂબ જ આતુર છું.’

