ધુળેટીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મમાં અક્ષયકુમારની ઍક્શન સિવાય દરેક વસ્તુમાં તે વિચિત્ર લાગે છે: સ્ટાઇલ અને સ્વૅગ પર ફોકસ કરવાને બદલે ફિલ્મની કન્ટિન્યુઇટી પર વધુ મહેનત કરી શકાઈ હોત
`બચ્ચન પાંડે`નો સીન
ફિલ્મ : બચ્ચન પાંડે
કાસ્ટ : અક્ષયકુમાર, ક્રિતી સૅનન, અર્શદ વારસી, જૅકલિન ફર્નાન્ડિસ, પકંજ ત્રિપાઠી
ADVERTISEMENT
ડિરેક્ટર : ફરહાદ સામજી
રિવ્યુ : બે સ્ટાર (ઠીક-ઠીક)
સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘બચ્ચન પાન્ડે’માં અક્ષયકુમારે કામ કર્યું છે જેને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. તેમની ત્રિપુટીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે આ ૨૦૧૪માં આવેલી તામિલ ફિલ્મ ‘જિગરથંડા’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં તેમની સાથે ક્રિતી સૅનન, જૅકલિન ફર્નાન્ડિસ, અર્શદ વારસી અને પંકજ ત્રિપાઠી જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે.
સ્ટોરી ટાઇમ
સ્ટોરીમાં કહેવા જેવું કંઈ છે નહીં. ટ્રેલરમાં જે દેખાડવામાં આવ્યું છે એ જ ફિલ્મની સ્ટોરી છે. ક્રિતી સૅનને માયરાનું પાત્ર ભજવ્યું છે જે એક ડિરેક્ટર હોય છે. તે બૉલીવુડમાં તેની છાપ છોડવા માગતી હોવાથી તે એક ગૅન્ગસ્ટર પર ફિલ્મ બનાવવા માગે છે. આથી તે સપોર્ટિંગ ઍક્ટર વિશુ એટલે કે અર્શદ વારસી સાથે બાઘવા ગામમાં જાય છે. આ એક એવું ગામ છે જ્યાં રામરાજ્ય નહીં, પરંતુ બચ્ચન રાજ હોય છે. પોલીસને મારી નાખવામાં આવે છે અને જર્નલિસ્ટને જીવતા સળગાવી દેવામાં આવે છે. આ ગુંડારાજમાં સૌથી ઘાતક હોય છે બચ્ચન પાન્ડે એટલે કે અક્ષયકુમાર. માયરા તેના પર ફિલ્મ બનાવવા માગે છે અને બચ્ચન પાન્ડે એ માટે તૈયાર પણ થઈ જાય છે. કેમ નહીં ભાઈ, ગુંડાઓને પણ પબ્લિસિટી પસંદ હોય છે. તેમ જ બાયોપિક દ્વારા પાપ ધોઈ શકાય છે એવી પણ એક માન્યતા હોય તો નવાઈ નહીં. અહીં કોણે ‘સંજુ’ કે પછી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું નામ લીધું?
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
તામિલની ફિલ્મ ૨૦૧૪માં ખૂબ જ હિટ રહી હતી અને એની હિન્દી રીમેક છેક ૨૦૨૨માં બનાવવામાં આવી છે. જોકે આટલાં વર્ષ થયાં હોવા છતાં સ્ટોરીમાં કંઈ નવીનતા નથી. ફરહાદ સામજીએ સ્પર્શ ખેતરપાલ સાથે મળીને આ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે. જોકે એમાં ફક્ત બચ્ચન પાન્ડેની સ્ટાઇલ અને સ્વૅગ પર જ ફોકસ કરવામાં આવ્યું હોય એવું લાગે છે. દરેક પાત્રની સ્ટોરી બનાવવામાં આવી છે, પરંતુ એમને સિન્ક કરવાનું તેઓ ભૂલી ગયા છે. તેમણે ઘણું ઍડ કરીને ફિલ્મને એક કચરો બનાવી દીધી છે. તેમણે થોડું અહીંતહીંથી પ્રેરિત થઈને બનાવી હોય એવું પણ લાગે છે. ઘણાં દૃશ્યો અને ઍક્શન અન્ય ફિલ્મથી ઇન્સ્પાયર થઈને બનાવ્યાં હોય એવું લાગે છે. ફરહાદ સામજીએ પહેલા પાર્ટમાં ફિલ્મની સ્ટોરીને એસ્ટાબ્લિશ કરવામાં ઘણો સમય લીધો છે. ફરહાદ સામજીએ તેની ફુરસદે એક-એક સ્ટોરીને શૂટ કરીને દરેક ફુટેજ એકસાથે મૂકી ફિલ્મ બનાવી હોય એવું લાગે છે, કારણ કે કન્ટિન્યુઇટી જેવું આ ફિલ્મમાં કંઈ નથી. આ એક ડાર્ક કૉમેડી હોવા છતાં એમાં નામપૂરતા ફની ડાયલૉગ છે. અક્ષયકુમાર તેની ઇચ્છા મુજબ તેની પથ્થરની આંખ કાઢીને ગમે ત્યાં મૂકી દે છે અને એ આપણે જબરદસ્તી માનવાનું હોય છે.
પર્ફોર્મન્સ
અક્ષયકુમાર ફિલ્મમાં ખૂબ જ વિચિત્ર લાગે છે. તેના મેકઅપ અને તેની સ્ટાઇલનું મિક્સ્ચર કંઈક અજીબ જ છે. તેની બોલવાની ઢબ અને તેની બૉડી લૅન્ગ્વેજ બધું જ વિચિત્ર લાગે છે. તે દર્શકોને જબરદસ્તી હસાવવાની કોશિશ કરતો દેખાઈ આવે છે. તેની ઍક્શનને બાદ કરતાં ફિલ્મમાં તેના કામને ધ્યાનમાં લેવા જેવું નથી. ક્રિતી સૅનને માયરનું પાત્ર ભજવ્યું છે. તેણે તેને સોંપવામાં આવેલું કામ તેની કૅપેસિટી મુજબ ભજવ્યું છે. જોકે તે એક ફિલ્મમેકર હોય છે અને શું કામ બચ્ચન પાન્ડેના પ્રેમમાં પડે છે એ સમજમાં નથી આવતું અને એ પણ એવી માણસના જે આંખના પલકારામાં કોઈને પણ મોતને ઘાટ ઉચારવામાં અચકાતો નથી. જૅકલિને બચ્ચન પાન્ડેની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું છે. તે ક્યારે આવે છે અને જતી પણ રહે છે એ ખબર નથી પડતી. તેના સ્ક્રીન ટાઇમ કરતાં તેને પ્રમોશન માટે પૈસા ચૂકવવામાં આવ્યા હોય એવું લાગે છે. અર્શદ વારસી પાસે ઘણો સ્ક્રીન ટાઇમ છે અને તેણે સારું કામ પણ કર્યું છે. જોકે તે પોતાની છાપ છોડી નથી શક્યો. પંકજ ત્રિપાઠીએ બચ્ચન પાન્ડેના ગુરુજીનું પાત્ર ભજવ્યું છે. પંકજ ત્રિપાઠીની એક અલગ જ ઑરા છે. તે જે પણ કંઈ કરે છે એમાં મજા આવી જાય છે. જોકે અર્શદ વારસી અને પંકજ ત્રિપાઠીને કારણે આ ફિલ્મમાં થોડી પણ મજા આવે છે. પ્રતીક બબ્બર, અભિમન્યુ સિંહ અને સહર્ષ કુમાર શુક્લા જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે પરંતુ તેઓ પણ હાજરી પુરાવવા માટે હોય એવું લાગે છે. સંજય મિશ્રાનું પાત્ર પણ નાનું છે, પરંતુ તેની પાસે સારી પંચલાઇન છે અને એથી તેને જોવાની મજા આવે છે.
મ્યુઝિક
બચ્ચન પાન્ડેનું એક પણ ગીત તમે ઑફિસમાં કે પછી એકલા હો ત્યારે ગુનગુનાવતા હો એવું નથી. દરેક ગીત ફિલ્મના પ્રમોશન માટે બનાવવામાં આવ્યું હોય એવું લાગે છે, પરંતુ એમ છતાં એ એટલાં જોરદાર નથી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઓકે-ઓકે છે, પરંતુ બચ્ચન પાન્ડે જ્યારે તેની કાર લઈને પસાર થતો હોય છે ત્યારે જે મ્યુઝિક આપ્યું છે એ સારું છે.
આખરી સલામ
સારા-સારા ઍક્ટર્સની ટોળી હોવા છતાં સાજિદ નડિયાદવાલની મદદ લેવી પડી છે. જોકે એમ છતાં આ ફિલ્મ કરતાં પ્રાઇમ વિડિયો પર ‘જલસા’ અથવા તો વૂટ સિલેક્ટ પર ‘અપહરણ 2’ જોઈ શકાય છે.