આ ફિલ્મના ગીતમાં દીપિકાનાં ડાન્સ સ્ટેપ્સ જોઈને હૃતિક ચોંકી ગયો હતો અને તેને સખત મહેનત કરવી પડી હતી.
હૃતિક રોશન
હૃતિક રોશનની ‘ફાઇટર’ ગઈ કાલે રિલીઝ થઈ છે. ઍરિયલ ઍક્શનથી ભરપૂર એ ફિલ્મમાં તેની સાથે દીપિકા અને અનિલ કપૂર પણ જોવા મળે છે. આ ફિલ્મના ગીતમાં દીપિકાનાં ડાન્સ સ્ટેપ્સ જોઈને હૃતિક ચોંકી ગયો હતો અને તેને સખત મહેનત કરવી પડી હતી. સાથે જ તેણે દીપિકાનાં ડાન્સ સ્ટેપ્સ કૉપી કર્યાં હોવાની પણ વાત કહી હતી. એ વિશે હૃતિકે કહ્યું કે ‘મારે સ્ટેપ્સ યોગ્ય રીત કરવા ખૂબ મહેનત કરવી પડી હતી, પરંતુ મેં જ્યારે દીપિકાને એ જ સ્ટેપ્સ સરળતાથી કરતાં જોઈ તો હું ચોંકી ગયો હતો. અમે સેટ પર હતાં. કૅમેરા તૈયાર હતા, પરંતુ મેં ના પાડી. મેં જણાવ્યું કે જ્યાં સુધી મને સમજાશે નહીં કે મારાં સ્ટેપ્સ ક્યાં ખોટાં છે ત્યાં સુધી હું શૂટ નહીં કરું. એથી મેં દીપિકાને એ સ્ટેપ કરવા જણાવ્યું. તે કેવી રીતે સ્ટેપ કરતી હતી એ મેં જોયું અને બાદમાં મેં તેની સ્ટાઇલ કૉપી કરી હતી. હું એ સ્ટેપની ટેક્નિકમાં ગુમ થઈ ગયો હતો, પરંતુ મેં જ્યારે તેને એ સ્ટેપ કરતાં જોઈ તો મને લાગ્યું કે આ તો સહેલું છે. મને વિચાર આવ્યો કે હું એ સ્ટેપમાં થોડો ફેરફાર કરીશ અને બાદમાં તે જે રીતે કરે છે એમ હું પણ કરીશ. એને કારણે મારો ડાન્સ પણ સારો દેખાશે.’
જોકે દીપિકાને તેની આ વાત પર ભરોસો નથી બેસતો. એ વિશે દીપિકાએ કહ્યું કે ‘મને તેની વાત પર જરા પણ વિશ્વાસ નથી બેસતો. તે જે કાંઈ પણ કહે છે એના પર મને ભરોસો નથી. જોકે તેણે પણ આ વાત મને જણાવી હતી. એક ઉમદા ઍક્ટર અને ડાન્સર આવું કહે તો હું એને સિરિયસલી નથી લેતી.’

