ફાતિમા સના શેખે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં થયેલા કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવની વાત શૅર કરી
ફાતિમા સના શેખ
બૉલીવુડમાં ‘દંગલ’થી એન્ટ્રી લેનારી ઍક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં સાઉથની ફિલ્મમાં કામ કરતી વખતે પોતાને થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવની વાત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં ફાતિમા સના શેખે કહ્યું હતું કે ‘મને સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ માટે ફોન આવ્યો હતો. કાસ્ટિંગ એજન્ટે મને વારંવાર અનકમ્ફર્ટેબલ સવાલ કર્યા હતા. કાસ્ટિંગ એજન્ટે મને પૂછ્યું હતું કે તું બધું જ કરવા તૈયાર થઈશ, બરાબરને? મેં જવાબ આપ્યો કે હું બહુ મહેનત કરીશ અને રોલ માટે જે જરૂરી હશે એ કરીશ, પણ તે એક જ પ્રશ્ન વારંવાર પૂછતો રહ્યો. જોકે મેં જાણીજોઈને તેને જવાબ ન આપ્યો, જેથી હું જોઈ શકું કે તે કઈ હદે જઈ શકે છે.’
ફાતિમાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બૉલીવુડમાં કામ કરવાની તક મળી એ પહેલાં મેં સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે મને લાગતું હતું કે આ રીતે મારા માટે બૉલીવુડમાં રસ્તો ખૂલશે. પોતાનો આ અનુભવ શૅર કરતાં ફાતિમાએ જણાવ્યું હતું કે ‘હું આશા સાથે જ એક ફિલ્મ માટે ઑડિશન આપવા ગઈ હતી. બધા એક રૂમમાં હતા અને ડિરેક્ટર ઇશારો કરી રહ્યા હતા કે તમારે કેટલાક લોકોને મળવું પડશે. તેણે સીધું કંઈ કહ્યું નહીં, પણ એનો અર્થ સ્પષ્ટ હતો.’
ADVERTISEMENT
જોકે આ અનુભવ કહીને ફાતિમાએ સ્પષ્ટતા કરી હતી કે દરેક જણ આવા હોતા નથી, બૉલીવુડમાં પણ કેટલાક કાસ્ટિંગ ડિરેક્ટર્સ નવોદિત કલાકારોનું શોષણ કરે છે અને તેમની કમાણીનો મોટો હિસ્સો પડાવી લે છે.

